મોહમ્મદ સિરાજને RCB એ કેમ કાઢ્યો? ટીમે કર્યો મોટો ખુલાસો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ આખરે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને IPL ૨૦૨૫ મેગા ઓક્શન પહેલા રિલીઝ કરવાના નિર્ણય પર સ્પષ્ટતા કરી છે. સાત વર્ષ સુધી RCB સાથે રહેલા સિરાજને બહાર કરવાનો આ નિર્ણય ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો. હવે, RCB ના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે આ નિર્ણય પાછળની રણનીતિનો ખુલાસો કર્યો છે.
રણનીતિમાં ફેરફારનું કારણ
મો બોબાટે જણાવ્યું કે RCBનું મુખ્ય લક્ષ્ય એક સંતુલિત અને મજબૂત બોલિંગ લાઇનઅપ બનાવવાનું હતું, જે જુદી જુદી પરિસ્થિતિઓમાં અસરકારક સાબિત થાય. તેમણે કહ્યું કે ટીમને ઇનિંગ્સના બંને છેડે અસરકારક બોલિંગ કરી શકે તેવા બોલરની જરૂર હતી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરવાની ઇચ્છા હતી, કારણ કે તેમનો અનુભવ અને સ્વિંગ બોલિંગની કુશળતા ટીમને મજબૂત બનાવશે.
બોબાટે સ્પષ્ટતા કરી કે સિરાજને ટીમમાં જાળવી રાખવાથી ભુવનેશ્વર કુમારને ઓક્શનમાં ખરીદવાનું મુશ્કેલ બની શક્યું હોત. કોઈપણ ઓક્શનમાં બજેટ અને ખેલાડીઓની પ્રાથમિકતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી હોય છે. બોબાટે ક્રિકબઝ સાથેની વાતચીતમાં જણાવ્યું, “સિરાજ કદાચ એવો ખેલાડી છે જેના વિશે અમે સૌથી વધુ વિચાર્યું છે. અમે સિરાજ સાથે દરેક સંભવિત પરિસ્થિતિની ચર્ચા કરી. અમે ભુવીને ઇનિંગ્સના બંને છેડા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિરાજને ટીમમાં રાખવાથી તે મુશ્કેલ બન્યું હોત.”
કેમેરોન ગ્રીન પર પણ ખુલાસો
બોબાટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને જાળવી રાખવા અંગે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે ગ્રીનને ઈજાને કારણે જાળવી રાખવામાં આવ્યો નથી. બોબાટે કહ્યું, “જો તે ફિટ હોત, તો અમે લગભગ ચોક્કસપણે તેને જાળવી રાખ્યો હોત.” આ નિવેદનો દર્શાવે છે કે RCBની રણનીતિમાં ટીમના સંતુલન અને લાંબા ગાળાના પ્રદર્શન પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં મોહમ્મદ સિરાજ ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે.