ઇબાદત, મગફિરત અને આસ્થા: શબ-એ-બરાતની રાત્રે શા માટે રાખવામાં આવે છે જાગરણ?
ઇસ્લામિક કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હોવાથી, તેની તારીખો દર વર્ષે બદલાતી રહે છે. શાબાન મહિનાની ૧૫મી રાત્રે શબ-એ-બરાત મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માં, ૩ ફેબ્રુઆરીના રોજ સૂર્યાસ્ત પછી શાબાન મહિનાની ૧૫મી રાત શરૂ થશે. તેથી, ભારતમાં શબ-એ-બરાત મુખ્યત્વે ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ (મંગળવાર) ની રાત્રે મનાવવામાં આવશે, જે ૪ ફેબ્રુઆરીના સવાર સુધી ચાલશે. જોકે, ચંદ્રના દર્શનના આધારે કેટલાક વિસ્તારોમાં તારીખમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ મોટાભાગે ૩ ફેબ્રુઆરીની રાત જ ઇબાદત માટેની મુખ્ય રાત ગણાશે.
શા માટે કહેવાય છે ‘માફીની રાત’?
‘શબ’ એટલે રાત અને ‘બરાત’ એટલે મુક્તિ અથવા બરકત. ઇસ્લામિક માન્યતા મુજબ, આ રાતે અલ્લાહ આકાશના નીચેના ભાગમાં ઉતરી આવે છે અને પોતાના બંદાઓને અવાજ આપે છે કે, “છે કોઈ માફી માંગનાર, જેને હું માફ કરી દઉં? છે કોઈ રોજી (રોજગાર) માંગનાર, જેને હું રોજી આપું?”. આ રાતને નસીબ લખવાની રાત પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રાતે આગામી એક વર્ષ દરમિયાન કોણ જન્મશે, કોનું મૃત્યુ થશે અને કોને કેટલું અન્ન મળશે, તેનો ફેંસલો લેવામાં આવે છે. તેથી જ મુસ્લિમ સમુદાયના લોકો આખી રાત જાગીને પોતાના પાપોની માફી માંગે છે.
શબ-એ-બરાતનું ધાર્મિક મહત્વ અને પરંપરાઓ
આ પવિત્ર રાતે મસ્જિદો અને ઘરોને રોશનીથી શણગારવામાં આવે છે. લોકો નફિલ નમાઝ અદા કરે છે, કુરાનનું પઠન કરે છે અને અલ્લાહની ઝિક્ર (સ્મરણ) માં સમય વિતાવે છે. આ રાત માત્ર ઈબાદતની જ નથી, પરંતુ સામાજિક સૌહાર્દની પણ છે. લોકો એકબીજાના ઘરે જાય છે, મીઠાઈઓ (ખાસ કરીને હલવો) વહેંચે છે અને જો કોઈની સાથે અણબનાવ હોય તો માફી માંગીને સંબંધો સુધારે છે. ગરીબોને દાન (ખૈરાત) આપવાનું પણ આ દિવસે વિશેષ મહત્વ છે.
કબ્રસ્તાનની મુલાકાત અને પૂર્વજો માટે દુઆ
શબ-એ-બરાતની રાત્રે કબ્રસ્તાન જવાની પરંપરા ખૂબ જ પ્રચલિત છે. લોકો પોતાના પૂર્વજો અને સંબંધીઓની કબર પર જઈને ફાતિહા પઢે છે અને તેમના આત્માની શાંતિ તથા મગફિરત (માફી) માટે દુઆ કરે છે. ઇસ્લામિક ઇતિહાસ મુજબ, હઝરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.) પણ આ રાત્રે જન્નત-ઉલ-બકી (મદીનાનું કબ્રસ્તાન) ગયા હતા અને મૃતકો માટે દુઆ કરી હતી. આથી, મુસ્લિમો આ સુન્નતનું પાલન કરીને પોતાના વડવાઓને યાદ કરે છે.
ઉપવાસ (રોઝા) રાખવાનું મહત્વ
શબ-એ-બરાતના બીજા દિવસે, એટલે કે ૧૫મી શાબાનના રોજ ઉપવાસ રાખવાની પરંપરા છે. જોકે આ રોઝો ફરજિયાત નથી (નફિલ છે), પરંતુ પયગંબર સાહેબ આ મહિનામાં વધુ રોઝા રાખતા હોવાથી ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. એવી માન્યતા છે કે આ દિવસે રાખવામાં આવેલો રોઝો અલ્લાહની નજીક લાવવામાં મદદરૂપ થાય છે અને પાછલા ગુનાઓના પ્રાયશ્ચિત તરીકે જોવામાં આવે છે.
આધુનિક સમયમાં શબ-એ-બરાતની ઉજવણી
વર્તમાન સમયમાં શબ-એ-બરાતની ઉજવણીમાં કેટલાક ફેરફારો આવ્યા છે. ધાર્મિક ગુરુઓ સતત ભાર મૂકે છે કે આ રાત ફટાકડા ફોડવાની કે બિનજરૂરી મોજ-મસ્તી કરવાની નથી, પરંતુ શાંતિપૂર્વક અલ્લાહની ઈબાદત કરવાની છે. યુવાનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ બાઈક રેસિંગ કે ઘોંઘાટ કરવાને બદલે મસ્જિદોમાં શાંતિ જાળવે અને ઇબાદતમાં ધ્યાન આપે. આ રાત વ્યક્તિગત સુધારણા અને આધ્યાત્મિક જાગૃતિ માટેનો શ્રેષ્ઠ અવસર છે.

