ગુજરાતમાં નંબર પ્લેટ વિનાના ટુ-વ્હીલર અને કાળા કાચવાળી ગાડીઓનું હવે આવી બનશે, 17મી સુધી ચાલશે મેગા ડ્રાઈવ
નંબર પ્લેટ વિનાના ટુ-વ્હીલર અને કાળા કાચવાળી ગાડીઓ માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસે ડાર્ક ફિલ્મ વાળી કાર અને નંબર પ્લેટ વિનાના ટુ-વ્હીલરોને પકડવાની રીતસરની ઝૂંબેશ શરુ કરી છે. આ ઝૂંબેશ 17 સપ્ટેમ્બર સુધી લગાતાર ચાલશે. અમદાવાદમાં પહેલા જ દિવસે લાખો રુપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાંચના આદેશ અનુસાર, અમદાવાદ ટ્રાફિક પોલીસે પહેલા દિવસે નંબર પ્લેટ વગરના 300થી વધુ વાહનચાલકો સામે કેસ નોંધીને 1.20 લાખથી વધુનો દંડ ફટકાર્યો અને 23 વાહનો ડિટેઇન કર્યા. આ ઉપરાંત, ડાર્ક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે 150થી વધુ કેસ નોંધીને 72,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો અને સાત ગાડીઓ જપ્ત કરવામાં આવી. આ ડ્રાઇવનો હેતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને રોડ સેફ્ટી વધારવાનો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઘણા સયમથી નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં અમદાવાદમાં ડાર્ક ફિલ્મના 30,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 1.68 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે નંબર પ્લેટ વગરના વાહનોના 38,000થી વધુ કેસમાં 1.41 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે નિયમોનું પાલન ન કરવું લોકોમાં સામાન્ય બની ગયું છે.