ફેવિકોલની જેમ કામ કરશે આ ગ્લુ: ચીને બનાવ્યું તૂટેલા હાડકાં જોડવાનું ‘બૉન ગ્લુ’
ચીનના વૈજ્ઞાનિકોએ મેડિકલની દુનિયામાં એક ક્રાંતિકારી શોધ કરી છે. તેમણે વિશ્વનું પહેલું બૉન ગ્લુ વિકસાવ્યું છે, જે તૂટેલા હાડકાંને માત્ર 2-3 મિનિટમાં જોડી શકે છે. આ ગ્લુ ફેવિકોલ અથવા કોઈ સામાન્ય ગુંદરની જેમ કામ કરે છે, પરંતુ શરીરની અંદર ઉપયોગ માટે સુરક્ષિત અને બાયોડિગ્રેડેબલ છે.
કેવી રીતે કામ કરે છે બૉન ગ્લુ?
આ ગ્લુ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ છીપલાંના કુદરતી ગુણધર્મોમાંથી પ્રેરણા લીધી. છીપલાં જ્યારે ખડકો સાથે ચોંટી રહે છે, ત્યારે તે એક ખાસ પ્રકારના ચીકણા પદાર્થનો ઉપયોગ કરે છે. આ જ સિદ્ધાંતને અપનાવીને ચીનના સંશોધકોએ બૉન ગ્લુ તૈયાર કર્યો. ગ્લુ હાડકાંના ટુકડાઓને એકબીજા સાથે જોડી દે છે અને શરીર સાથે ભળીને સુકાઈ જાય છે, જેનાથી કોઈ પણ પ્રકારની સર્જરી કે મેટલ ઇમ્પ્લાન્ટની જરૂર પડતી નથી.
પરીક્ષણ અને સફળતા
બૉન ગ્લુનું અત્યાર સુધીમાં 150થી વધુ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. લેબ ટેસ્ટમાં તે સાબિત થયું કે ગ્લુ 200 કિલો સુધીનું વજન સહન કરી શકે છે. ટેસ્ટ દરમિયાન હાડકાંને જોડવામાં આ ગ્લુ માત્ર 2-3 મિનિટનો સમય લે છે. ત્યારબાદ છ મહિના સુધી તેના પરિણામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં જોવા મળ્યું કે ગ્લુ આપોઆપ સુકાઈ ગયો અને શરીરના કોષો સાથે સંપૂર્ણપણે ભળી ગયો.
શું કહે છે વૈજ્ઞાનિકો?
ડૉ. લિન જિયાનફેંગે જણાવ્યું કે બૉન ગ્લુને ‘બૉન 02’ નામ આપવામાં આવ્યું છે. તે બાયોડિગ્રેડેબલ છે અને શરીરના કોઈપણ અંગ કે ત્વચાને નુકસાન પહોંચાડતું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રમાં છીપલાંની જેમ, આ ગ્લુ લોહીની હાજરીમાં પણ હાડકાં સાથે મજબૂતીથી ચોંટી જાય છે. આનો અર્થ એ છે કે હવે હાડકાંને જોડવા માટે મેટલ સ્ક્રૂ કે સર્જિકલ પ્રક્રિયાઓની જરૂર રહેશે નહીં.
ભવિષ્યના લાભો
આ ગ્લુની મદદથી હાડકાંના દર્દીઓને ઝડપી સારવાર, ઓછા સમયમાં રિકવરી અને સર્જરી વગર સુરક્ષિત હાડકાંનું જોડાણ મળશે. તેને આવનારા સમયમાં મેડિકલ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તે હાડકાંના રોગની સારવારમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે.
આ શોધ ચિકિત્સા વિજ્ઞાનમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે અને વિશ્વભરના હાડકાંના દર્દીઓ માટે નવી આશા લઈને આવી છે.