આજના આધુનિક યુગમાં પણ ધર્મ શા માટે માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે?
2020 સુધીમાં દુનિયાની લગભગ 85% વસ્તી કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલી હતી. આ આંકડો દર્શાવે છે કે ધર્મ આજે પણ માનવ જીવન અને સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ધાર્મિક માન્યતાઓ માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ સામાજિક માળખું, જીવનશૈલી અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ ઊંડી અસર પાડે છે. વિશ્વમાં સૌથી મોટા ધર્મો ખ્રિસ્તી અને ઇસ્લામ છે, જ્યારે હિંદુ, બૌદ્ધ અને લોક ધર્મો પણ મોટી વસ્તીને આવરી લે છે.
ખ્રિસ્તી ધર્મ
વિશ્વનો સૌથી મોટો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. 2020માં તેની સંખ્યા લગભગ 2.38 અબજ હતી, જે કુલ વસ્તીના લગભગ 31% છે. ખ્રિસ્તી ધર્મ મુખ્યત્વે યુરોપ, અમેરિકા અને આફ્રિકામાં ફેલાયેલો છે. તેના અનુયાયીઓ કેથોલિક, પ્રોટેસ્ટન્ટ અને ઈસ્ટર્ન ઓર્થોડોક્સ જેવી અલગ-અલગ શાખાઓમાં વહેંચાયેલા છે. બધા ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના ઉપદેશોનું પાલન કરે છે.
ઇસ્લામ ધર્મ
ઇસ્લામ દુનિયાનો બીજો સૌથી મોટો ધર્મ છે. તેના અનુયાયીઓની સંખ્યા 1.91 અબજ છે, જે વિશ્વની કુલ વસ્તીના લગભગ 25% છે. મુસ્લિમ સમુદાય મુખ્યત્વે મધ્ય એશિયા, મધ્ય-પૂર્વ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને આફ્રિકામાં ફેલાયેલો છે. વસ્તી સંશોધકો માને છે કે 2050 સુધીમાં ઇસ્લામની સંખ્યા ખ્રિસ્તી ધર્મની બરાબર થઈ જશે, જેનું મુખ્ય કારણ મુસ્લિમ દેશોમાં ઉચ્ચ જન્મ દર છે.
હિંદુ ધર્મ
વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ હિંદુ ધર્મ છે. તેના અનુયાયીઓની સંખ્યા 1.16 અબજ છે, જે કુલ વસ્તીના લગભગ 15% છે. હિંદુ ધર્મ મુખ્યત્વે ભારત અને નેપાળમાં પ્રચલિત છે. તેને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે અને તે વેદ, ઉપનિષદ, ગીતા અને પુરાણ જેવા ગ્રંથોની પરંપરા પર આધારિત છે. યોગ, ધ્યાન અને સંસ્કૃતિના માધ્યમથી તેનો પ્રભાવ સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે.
બૌદ્ધ અને લોક ધર્મો
બૌદ્ધ ધર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી. તેના અનુયાયીઓની સંખ્યા 50.7 કરોડ છે. તે ચીન, જાપાન, થાઇલેન્ડ, શ્રીલંકા, મ્યાનમાર અને તિબેટમાં પ્રચલિત છે. બૌદ્ધ ધર્મ અહિંસા, ધ્યાન અને નિર્વાણની વિભાવના પર આધારિત છે. જ્યારે લોક ધર્મોના અનુયાયીઓની સંખ્યા 43 કરોડ છે. જેમાં આફ્રિકન પરંપરાગત ધર્મો, ચીની લોક ધર્મો, મૂળ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન આદિવાસી માન્યતાઓ સામેલ છે.
અન્ય નાના ધર્મો
શિન્તો, તાઓ ધર્મ, શીખ ધર્મ અને જૈન ધર્મ જેવા ધર્મોના અનુયાયીઓ પણ વિશ્વમાં મોજૂદ છે, જેમની કુલ સંખ્યા લગભગ 6.1 કરોડ છે. આ ધર્મો સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.
આમ, દુનિયામાં ધર્મો માત્ર આસ્થાનો આધાર નથી, પરંતુ તે માનવ સમાજની સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય ઓળખને પણ આકાર આપે છે.