World Snake Day: 3 દાયકામાં 20,726 લોકોના જીવ બચાવનારા ડો. ડી.સી. પટેલના પ્રયાસો

Satya Day
5 Min Read
World Snake Day રાજ્ય સરકારની મદદ અને ધરમપુરના ડો.ડી.સી.પટેલના પ્રયાસથી ૩ દાયકામાં સર્પદંશથી ૨૦૭૨૬ લોકોના જીવ બચાવવામાં મળી સફળતા 
  • રાજ્ય સરકાર દ્વારા ૨૮ વર્ષમાં કુલ ૬૪૩૨૮ એન્ટી વેનમ ઈન્જેકશન ફ્રીમાં આપવામાં આવ્યા, જે ખાનગી હોસ્પિટલમાં રૂ. ૭૦૦ના દરે મળે છે
  • મનુષ્યના અસ્તિત્વ અને પર્યાવણના સંતુલન માટે સાપનું મહત્વ ખૂબ જ અગત્યુનું છેઃ ડો.ડી.સી.પટેલ
  •  સર્પદંશથી મૃત્યુદર ઝીરો કરવાના લક્ષ્યાંકને સિધ્ધ કરવા ડો.ડી.સી.પટેલના સતુત્ય પ્રયાસ
World Snake Day  હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આ દિવસો દરમિયાન સર્પ દંશના બનાવોનું પ્રમાણ વધતુ હોય છે. પોતાનો જીવ બચાવવા માટે ઘણી વાર લોકો સાપને મારી નાંખે છે પરંતુ પર્યાવરણમાં સંતુલન રાખવા માટે સાપ મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી સાપ વિશે જાગૃતિ ફેલાવવા અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટે દર વર્ષે તા. ૧૬ જુલાઈના રોજ વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઝેરી સાપના ડંખથી થતા મૃત્યુને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થિત સાંઈનાથ હોસ્પિટલના ડો. ડી.સી.પટેલ સાથે એમઓયુ કરી અમૂલ્ય માવન જીવનને બચાવવા માટે ફ્રીમાં એન્ટી વેનમ ઈન્જેકશન આપવામાં આવે છે. જેથી વર્ષ ૧૯૯૦ થી અત્યાર સુધીમાં ઝેરી સર્પના ડંખનો ભોગ બનેલા કુલ ૨૦૭૨૬ લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી છે.
dr.patel .jpg
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સર્પદંશથી મૃત્યુદર ઝીરો કરવાના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે સતત કાર્યરત એવા ડો. ડી.સી.પટેલ વિશ્વ સર્પ દિવસ નિમિત્તે જણાવે છે કે, સાપ એ મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સાથે પર્યાવરણને પણ સંતુલન રાખે છે. સાપનો મુખ્ય ખોરાક ઉંદર છે. ઉંદરથી ફેલાતા રોગથી આપણને બચાવવાનું કામ સાપ કરે છે. જો સાપ અદ્રશ્ય થઈ જશે તો મનુષ્ય જીવન પણ ૨૦ વર્ષથી વધુ સમય ટકી શકે નહી. જે રીતે મધમાખી અને અન્ય જીવ જંતુ અગત્યના છે તેમ સાપ પણ મનુષ્ય જીવન માટે અગત્યના છે. જેથી તેમનું રક્ષણ જરૂરી છે.
WhatsApp Image 2025 07 16 at 6.06.45 AM.jpeg
સર્પદંશથી મૃત્યુ દર ઝીરો કરવાનો લક્ષ્યાંક અંગે ડો. ડી.સી.પટેલે વધુમાં જણાવ્યું કે, હું એમ.એસ.સર્જન થયા બાદ ૧૯૮૭ થી સર્પદંશથી લોકોના જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યો છું. ૧૯૯૦માં ધરમપુર ખાતે સાંઈનાથ હોસ્પિટલનું નિર્માણ કરી સેવા કાર્યની શરૂઆત કરી હતી. તે સમયે સર્પદંશના દર્દીઓની મારા ખિસ્સાના ખર્ચે ઈન્જેકશન ખરીદી નિઃશૂલ્ક સારવાર શરૂ કરી હતી. ત્યારબાદ દાતાઓ દ્વારા મદદ મળતી ગઈ હતી. આદિવાસી જંગલ વિસ્તારમાં સર્પદંશના કેસ વધતા મનુષ્ય જીવન બચાવવાના મારા આ સંઘર્ષમાં રાજય સરકાર મારી પડખે આવીને ઉભી રહી છે. છેલ્લા ૨૮ વર્ષથી રાજ્ય સરકાર જરૂરીયાત મુજબના એન્ટી વેનમ ઈન્જેકશનનો જથ્થો પુરો પાડી રહી છે. આ ૨૮ વર્ષમાં કુલ ૬૪૩૨૮ ઈન્જેકશન ફ્રીમાં આપ્યા છે. એક ઈન્જેકશનની કિંમત ખાનગી હોસ્પિટલમાં રૂ. ૭૦૦ વસૂલવામાં આવે છે. જે સાંઈનાથ હોસ્પિટલમાં દર્દીઓને રાજય સરકારની મદદથી ફ્રીમાં મુકવામાં આવે છે. જે માટે હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.
WhatsApp Image 2025 07 16 at 6.06.45 AM 1.jpeg

વલસાડ જિલ્લામાં મુખ્યત્વે ૫ ઝેરી સાપ અને ૬૧ બિનઝેરી સાપની પ્રજાતિ જોવા મળે છેઃ ડો.ડી.સી.પટેલ

વલસાડ જિલ્લામાં જોવા મળતા સરીસૃપ અંગે ડો.ડી.સી.પટેલ વધુમાં જણાવે છે કે, વલસાડ જિલ્લાના જંગલોમાં ઝેરી સાપમાં મુખ્યત્વે કોબ્રા(નાગ), કોમન ક્રેઈટ (કાળોતરો-મનીયાર), રસેલ વાઈપર (કામળીયો-ખડચિતરો, મરાઠીમાં ગુણસ) અને સો સ્કેલ વાઈપર (ફોડચી) જોવા મળે છે. પહેલા ડાંગમાં જોવા મળતો બામ્બુ પીટ વાઈપર જે લીલા કલરનો હોય છે તે પણ હવે ધરમપુર અને દાદરા નગર હવેલીમાં જોવા મળ્યો છે. સર્પદંશથી કેવી રીતે સારવાર કરવી તે અંગે પીએચસી, સીએચસી અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના તબીબોને રાજયના વિવિધ જિલ્લામાં માર્ગદર્શન આપવા જાઉ છું. સર્પદંશથી ખેત મજૂરોના જીવ ન જાય તે માટે દર વર્ષે ૧૫૦૦ જેટલા ગમબુટનું નજીવા દરે વિતરણ કરુ છું. આ સિવાય સાપ વિશે જાગૃતિ ફેલાવવા અને ગેર માન્યતાઓ દૂર કરવાનું અભિયાન પણ હાથ ધર્યુ છે.
dr.patel .1.jpg

રાજ્ય સરકાર દ્વારા ધરમપુરના માલનપાડામાં સ્નેક રીસર્ચ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરાઈ

ડો.ડી.સી.પટેલે રીજ્યોનલ સ્પેસીફીક એન્ટી સ્નેક વેનમ ઈન્જેકશન બનાવવા માટે રજૂઆતો કરી હતી જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે ધરમપુરના માલનપાડા ખાતે સ્નેક રીસર્ચ ઈન્સ્ટિટયુટીની સ્થાપના વર્ષ ૨૦૨૦માં કરી હતી. જેમાં ડો. ડી.સી.પટેલની વાઈસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઈન્સ્ટિટયુટમાં હાલ ૫૦૦ જેટલા ઝેરી સાપ છે. જેમના ઝેરમાંથી પાઉડર તૈયાર કરવામાં આવે છે અને હવે તેમાંથી ઈન્જેકશન બનાવવા મેન્યુફ્રેકચરીંગ કંપનીને ટેન્ડરીંગ પધ્ધતિથી પાઉડર આપવામાં આવશે. હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સર્પદંશને મુદ્દે ખુબ જ સક્રિય છે. જેથી સર્પદંશના કેસને ઘટાડવા માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્ધાર કરાયો છે. આ સિવાય જનજાગૃતિ માટે વર્ષ ૨૦૨૩માં નેશનલ એકશન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેક એનવિનોમીંગ જાહેર કરાયો છે. જેમાં જનજાગૃતિ પ્રોગામ, રિજિયોનલ વાઈઝ વેનમ કલેકશન સેન્ટર ઉભા કરવા અને તબીબોને ટ્રેનિંગ આપવાની કામગીરી થાય છે.
Share This Article