અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં ભયાનક વાવાઝોડાઓએ ભારે વિનાશ કર્યો છે. આ દુર્ઘટનામાં 70થી વધારે લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને 100 થવાની આશંકા દર્શાવવામાં આવી છે. કેન્ટકીના ઈતિહાસમાં આ સૌથી ભયાનક રાત હતી.
કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, અર્કાન્સાસથી કેન્ટકી થઈને છ રાજ્યોમાં નાના-મોટા 30થી વધારે વાવાઝોડાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાનાં કારણે સાત રાજ્યોમાં 3.40 લાખથી વધારે ઘરો અને ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો.
મિસૌરી, ટેનેસી અને મિસિસિપ્પીના અનેક ભાગોમાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો હોવાનો રિપોર્ટ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક વાવાઝોડા અથવા અનેક વાવાઝોડાઓએ આર્કાન્સાસ અને કેન્ટકી એમ બે રાજ્યોમાં 322 કિ.મી. લાંબા વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે.
સૂત્રો અનુસાર 322 કિ.મી. લાંબો માર્ગ કાપનાર આ એક જ વાવાઝોડું હોય તો વર્ષ 1925 પછી સૌથી લાંબો પ્રવાસ કરનારું આ પહેલું વાવાઝોડું હતું.ઈલિનોઈસ અને આર્કાન્સાસમાં પણ અનેક લોકોનાં મોત થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે એડવર્ડ્સવિલેના ઈલિનોઈસ શહેરમાં અમેઝોનનું એક ગોડાઉન તૂટી પડયું હતું, જેમાં બેલોકોનાં મોત થયા હતા. અહીં બચાવ કામ ચાલુ છે. જોકે, અનેક લોકો બચી ગયા છે. હાલ નુકસાનનો અંદાજ થઈ શકે તેમ નથી.