ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કની સંપત્તિમાં તાજેતરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, એલોન મસ્કની સંપત્તિ 152 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ રીતે તેમણે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પાછળ છોડી દીધા છે. તેઓ બ્લૂમબર્ગની વૈશ્વિક નાણાંની પ્રતિષ્ઠિત યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. હવે આ યાદીમાં એમેઝોનના જેફ બેજોસ મસ્ક થી આગળ છે. બેજોસની કુલ સંપત્તિનું મૂલ્યાંકન 182 અબજ ડોલર કરવામાં આવ્યું છે.
યાદી અનુસાર, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પાસે 128 અબજ ડોલરની સંપત્તિ છે અને તે ત્રીજા સ્થાને છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ પાસે કુલ 111 અબજ ડોલરની સંપત્તિ છે. તે આ યાદીમાં ચોથા સ્થાને છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ કુલ 105 અબજ ડોલરની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે. અમેરિકાના માલિક વોરેન બફેટ પાસે કુલ 85.8 અબજ ડોલરની સંપત્તિ છે અને તે છઠ્ઠા ક્રમે છે.
ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ આ યાદીમાં ટોચના 10 સૌથી અમીર લોકોમાં સામેલ છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 76.8 અબજ ડોલર આંકવામાં આવી છે. તેઓ ઓઇલથી ટેલિકોમ સેક્ટર સુધી કાર્યરત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના ચેરમેન છે.
ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કે આવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જોકે, ફોર્બ્સની રિયલ ટાઇમ અબજોપતિઓની યાદીમાં તે ત્રીજા ક્રમે છે. આ યાદીમાં કુલ સંપત્તિ 140.2 અબજ ડોલર હોવાનો અંદાજ છે. 49 વર્ષીય મસ્કને ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા મારફતે પૃથ્વી અને રોકેટ ઉત્પાદક સ્પેસએક્સ મારફતે અંતરિક્ષમાં પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ કરવાની દિશામાં કામ કરવાનો શ્રેય જાય છે.