સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર છે?
આ સવાલોની વચ્ચે સૌથી વધારે જોખમ ગરીબ દેશોમાં છે, જયાં જરૂરી સંસાધનોના અભાવને લીધે બાળકો સ્કૂલ છોડી રહ્યા છે. લોકડાઉનના કારણે દુનિયાભરમાં ૧૫૦ કરોડ બાળકોએ સ્કૂલે જવાનું બંધ કર્યું છે. તેમાંથી ૭૦ કરોડ બાળકો ભારત, બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશોનાં છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કારણે સૌથી વધારે અસર ગરીબ બાળકો અને છોકરીઓના અભ્યાસ પર થઈ છે.
ફ્રાન્સ, ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં છૂટછાટ આપ્યા બાદ અહીં સ્કૂલોમાં મોટી સંખ્યામાં બાળકો આવવા લાગ્યા છે. બ્રિટનમાં સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલી જશે. બ્રિટિશ સરકારે ૩૨૨૦ કરોડ રૂપિયાનો નેશનલ ટ્યુટોરિંગ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેના અંતર્ગત ગ્રેજયુએટ્સની ભરતી કરવામાં આવશે જે આખો દિવસ ભણાવવાનું કામ કરશે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે તો ચેતવણી પણ આપી છે કે, સ્કૂલો નહીં ખોલવામાં આવે તો ફંડિંગ બંધ કરશે. બાળકો ઓનલાઈન સારી રીતે ભણી રહ્યા છે એ વાતનો ત્યાંની સરકારને વિશ્વાસ નથી. બીજી તરફ યુનેસ્કો અને એજયુકેશન કન્સલ્ટન્સી ફર્મ મેકેન્ઝીએ અભ્યાસમાં થેયલા નુકસાનને પહોંચી વળવા માટે ત્રણ પ્રકારની વ્યૂહરચના અપનાવવાની સલાહ આપી છે. ભારતમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા લગભગ ૩૩ કરોડ છે. તેમાંથી માત્ર ૧૦.૩%ની પાસે જ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા છે. કેન્દ્રએ સ્કૂલો ખોલવાને લઈને ઘણા પ્રકારની ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટા-ઈઝેશનના નિયમ છે. સાથે સ્કૂલોમાં માત્ર ૩૦-૪૦% સ્ટ્રેન્થ રાખવાની વાત કરવામાં આવી છે. જો કે, સ્કૂલો અત્યારે શરૂ નહીં થાય, પરંતુ ઘણી સ્કૂલોએ ૧થી૮મા ધોરણના ઓનલાઈન કલાસિસ શરૂ કરી દીધા છે.