કોરોના સંકટ વચ્ચે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા અને બ્રિટને આરોપ લગાવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયા તરફથી અંતરિક્ષમાં એક એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
અમેરિકન સેનાના સ્પેસ કમાને કહ્યું કે અંતરિક્ષમાં ચક્કર લગાવી રહેલા રૂસના સેટેલાઇટ કોસમોસ 2542 પર 15 જુલાઇના રોજ તેના પોતાના જ સેટેલાઇટ કોસમોસ 2543 એ મિસાઇલ હુમલો કર્યો હતો. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે અમેરિકાએ રશિયા પર આ પ્રકારનો હથિયાર પરીક્ષણનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાનું કહેવું છે કે યુએસ સ્પેસ કમાન્ડ પાસે પુરાવા છે કે રશિયાએ 15 જુલાઈના રોજ એક અંતરિક્ષ આધારિત એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ વધુ એક ઉદાહરણ છે કે અમેરિકા અને તેના સહયોગીઓની અંતરિક્ષ પ્રણાલીઓ માટે જોખમ વાસ્તવિક, ગંભીર છે અને તે વધી રહ્યાં છે. અમેરિકાના પરમાણુ નિરસ્ત્રીકરણ વાર્તાકાર માર્શલ બિલિંગ્સલીએ ટ્વિટ કરીને કહ્યું કે આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.
રશિયાનો આ ટેસ્ટ આગામી સપ્તાહે વિયેનામાં ચર્ચાનો પ્રમુખ મુદ્દો રહેશે. જ્યાં તેઓ સ્ટાર્ટ સંધિ પર વાતચીત કરશે.આ બાજુ ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિનને કહ્યું કે તેમને આશા છે કે રશિયા ચીન સાથે હથિયારોની દોડમાં સામેલ થશે નહીં.
બ્રિટનના Space Directorateના પ્રમુખ એર વાઈસ માર્શલ હાર્વે સ્મિથે રશિયાના પરીક્ષણ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રકારના પગલા અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે જોખમી છે અને તેનાથી કાટમાળનું જોખમ રહે છે. જે એ ઉપગ્રહો અને અંતરિક્ષ પ્રણાલીઓને નુકસાન પહોંચાડી શકે છે,જેના પર દુનિયા નિર્ભર રહે છે. આથી અમે રશિયાને આહ્વાન કરીએ છીએ કે તે આ પ્રકારના કોઈ પણ પરિક્ષણથી બચે,નોંધનિય છે કે અગાઉ ચીને પણ આ પ્રકારનું પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી.