નવી દિલ્હીઃટ્રાંસપેરેંસી ઈન્ટરનેશનલ દ્વારા કરપ્શન પર્સ્પેશન ઈંડેક્સ (CPI 2020) જાહેર કર્યુ છે. આ ઇન્ડેક્સ વિશ્વના વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ દર્શાવે છે. જેમાં સૌથી ઉંચો ક્રમ એ ભ્રષ્ટાચારની ઓછી સ્થિતિ દર્શાવે છે જ્યારે નીચો ક્રમે વધુ ભ્રષ્ટાચારનું દુષણ વધારે હોવાના સંકેત આપે છે. આ સંસ્થાએ કહ્યુ હતું કે, તેમણે ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં ઉઠાવેલા પગલાના આધારે દુનિયાના 180 દેશોની રેંકીંગ તૈયાર કર્યુ છે. આ રેંકીંગમાં ભારત 86માં નંબરે આવે છે. તો વળી પાડોશી દેશ ચીન 78માં ક્રમે, પાકિસ્તાન 124માં નંબરે જ્યારે બાંગ્લાદેશ 146માં ક્રમે આવે છે.
આ વર્ષે દુનિયાના દેશોમાં કરપ્શન ઈંડેક્સ બનાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાંસપરેંસી ઈંટરનેશનલે આ વખતે માપદંડોમાં કોવિડ-19 મહામારી સામે લડવામાં કરાયેલા ભ્રષ્ટાચાર પર ખાસ ભાર આપ્યો છે. આ માપદંડમાં બાંગ્લાદેશ એકદમ પાછળ રહી ગયુ છે. સંસ્થાના ચેરપર્સન ડેલિયા ફરેરિયા રૂબિયોએ કહ્યુ હતું કે, કોવિડ ફક્ત સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ નથી. તે ભ્રષ્ટાચાર સંકટ પણ છે, જેની સામે લડવામાં આપણે હાલ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છીએ.
રૂબિયોએ આગળ જણાવ્યુ હતું કે, ગત વર્ષમાં સરકારોની જેવી પરીક્ષા લેવાઈ છે, તેવી ક્યારેય નથી લેવાઈ. ઉચ્ચ સ્તરે ફેલાયેલા ભ્રષ્ટાચારના કારણે પડકારો સામે લડવા માટેની કમજોરી વર્તાઈ. જો કે, જે દેશો ભ્રષ્ટાચારના આ ઈન્ડેક્સમાં ટોપ પર છે, તેમને પણ પોતાના દેશ અને વિદેશોમાં ભ્રષ્ટાચારને માત આપવા માટે તાત્કાલિક અને અનિવાર્ય ભૂમિકા નિભાવવાની રહેશે.
આમ જોવા જઈએ તો, આ રેંકીંગમાં 100માંથી 88-88 પોઈન્ટ પ્રાપ્ત કરીને ન્યૂઝીલેન્ડ અને ડેનમાર્ક ટોચ પર રહ્યા છે. ભારતે 100માંથી 40, ચીને 42, પાકિસ્તાને 31 જ્યારે બાંગ્લાદેશે ફક્ત 26 પોઈન્ટ મેળવ્યા છે. એક બાજૂ પાડોશી દેશ અફઘાનિસ્તાને 100માંથી 19 પોઈન્ટ મેળવીને 165મો રેંક મેળવ્યો છે. જો કે, તેને 2021માં અત્યાર સુધીમાં 11 પોઈન્ટ ઉપર આવવામાં સફળતા પણ મળી છે. આ મામલે એશિયાઈ દેશોમાં તે સૌથી આગળ છે.
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, રેંકિંગમાં સૌથી ટોપ પર રહેલા દેશમાં સૌથી ઓછો અને નીચે ખસકી રહેલા દેશોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે.