નવી દિલ્હી તા.૧૦ : ડોકલામ વિવાદ પર ભારત અને ચીન વચ્ચે તંગદીલી યથાવત છે આ દરમિયાન ચીની મીડીયા પોતાના રિપોર્ટ અને તંત્રીલેખોમાં ભારત વિરૂધ્ધ આગ ઓકી રહ્યુ છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે તો ભારતને યુધ્ધની ચેતવણી પણ આપી છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પરની હકીકત એ છે કે ચીની સૈનિક ૧૦૦ મીટર પાછળ હટવા માટે તૈયાર થઇ ગયા છે. કહેવાય છે કે ચીની સેનાએ ભારતીય સેનાના કહેવા બાદ આ બાબતે સહમતી દર્શાવી છે. જો કે ભારતીય સેનાએ ચીની સેનાને રપ૦ મીટર પાછળ જવા કહ્યુ હતુ. ઇન્ડિયા ટુડેના જણાવ્યા પ્રમાણે ચીન તરફથી કહેવાયુ છે કે તેની સેના વિવાદીત સ્થળથી ૧૦૦ મીટર પાછળ હટવા તૈયાર છે પરંતુ ભારતીય સેનાએ પણ પુર્વ સ્થિતિ ઉપર પાછા ફરવુ પડશે. આ સંવાદ અને સહમતીનો સીધો મતલબ એ છે કે ડોકલામ વિવાદથી બંને દેશો સન્માનજનક વિદાય ઇચ્છે છે.
ચીનની પીપલ્સ લીબરેશન આર્મી ડોકલામના વિવાદીત પોઇન્ટથી ૧૦૦ મીટર પાછળ હટવા માટે તૈયાર થઇ ગઇ છે પરંતુ ભારત તેને રપ૦ મીટર પાછળ ખદેડવા માંગણી કરી રહ્યુ છે. ભારત તરફથી ચીનને જણાવાયુ છે કે તે વિવાદીત પોઇન્ટથી રપ૦ મીટર પાછળ હટે તે પછી જ ભારતીય સેના પાછળ હટશે. ચીને કહ્યુ છે કે અમે ૧૦૦ મીટર પાછળ જવા તૈયાર છીએ. તેથી ભારતે પણ અગાઉની પોઝીશન પર જવુ જોઇએ. આનાથી સ્પષ્ટ છે કે બંને દેશોની સેના વિવાદીત ક્ષેત્રથી પાછળ હટવા જઇ રહી છે.આ અગાઉ ચીને પીછેહઠ કરવાનો ઇન્કાર કર્યો હતો.
અગાઉના અહેવાલ મુજબ ચીને યુધ્ધ ધમકી આપી છે અને ભારતને યુધ્ધ માટે લલકાર્યુ હતુ. ચાઇના ડેઇલીએ લખ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે સંઘર્ષનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. ચીને મોટા પ્રમાણમાં સૈનિકો પણ ઠાલવ્યા છે. ભારતીય સેના ડોકલામમાં ચીની સૈનિકો સાથે નો-વોર, નો-પીસની નીતિ ઉપર કામ કરી રહી છે.