વૉશિન્ગટન તા.9 :અમેરિકામાં મુસ્લિમ બહુમતિ ધરાવતા સાત દેશોના નાગરીકોના પ્રવેશ પર પ્રતિબંધને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેને લઇને ટ્રમ્પ સરકારે કોર્ટમાં અનેક સવાલોનો સામનો કરવો પડયો હતો. કોર્ટે પૂછ્યું હતું કે શું મુસ્લિમોને ધ્યાનમાં રાખીને જ આ આદેશ જારી કરવામાં આવ્યો છે? શું ટ્રમ્પ સરકાર મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા માગે છે? બીજી તરફ ટ્રમ્પ વતી અમેરિકાના કાયદા વિભાગ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી અને દાવો કરાયો હતો કે ટ્રમ્પે બંધારણને ધ્યાનમાં રાખીને જ બધા નિર્ણયો લીધા છે. મંત્રાલયે ન્યાયાલયને અપીલ કરી હતી કે પ્રવેશબંધી પર નીચલી કોર્ટ દ્વારા મુકવામાં આવેલો સ્ટે હટાવી લેવામાં આવે.
નાઇન્થ યૂએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલમાં આ મામલો ચાલી રહ્યો છે. ત્રણ જજોની પેનલ સમક્ષ ફોન પર ચલાવવામાં આવેલી સુનાવણીનું લગભગ મોટાભાગની ચેનલો પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ પ્રશાસન સમક્ષ કોર્ટે કેટલાક ધારદાર સવાલો કર્યા હતા. પહેલો સવાલ હતો કે ક્યા પુરાવાના આધારે સાત મુસ્લિમ બહુમત ધરાવતા દેશોને આતંક પ્રભાવિત માની લેવાયા ? પ્રમુખ દ્વારા લેવાયેલા દરેક નિર્ણયની સમિક્ષા કોર્ટ કરી શકે છે, તમે ક્યાં આધારે દાવો કરી રહ્યા છો કે સમિક્ષા ન કરી શકે ?
આ પહેલા ટ્રમ્પ સરકારના પ્રવેશબંધીના આદેશ પર સાન ફ્રાન્સિસ્કોની એક ફેડરલ કોર્ટે સ્ટે મુકી દીધો હતો. જેને ટ્રમ્પ સરકાર દ્વારા અપીલ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તાત્કાલીક ધોરણે સ્ટે હટાવવાની માગણી કરાઇ હતી, જોકે અપીલ કોર્ટે તાત્કાલિક આવો કોઇ જ આદેશ જારી કરવાની ના પાડી સુનાવણી મંગળવારે મુલતવી રાખી હતી. હવે મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં બન્ને પક્ષો દ્વારા દલીલ કરવામાં આવી છે. આ મામલે આ સપ્તાહના અંત સુધીમાં અંતિમ નિર્ણય આવે તેવી શક્યતાઓ છે.