પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાને રાજ્યની તિજોરી (તોશાખાના)માંથી કરોડો રૂપિયાની ભેટ ખૂબ જ સસ્તા ભાવે વેચવા મામલે પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી હતી.
ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે જ્યારે એસપી તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે ઇમરાન ત્યાં હાજર હતાં નહીં. પોલીસનો આરોપ છે કે તેઓ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે.
આ અગાઉ પાકિસ્તાની મીડિયા ‘જિયો ન્યૂઝ’ના અહેવાલો હતા કે ઇમરાન ખાન લાહોરના જમાના પાર્કવાળા ઘરમાં જ છે અને તેમની ઇસ્લામાબાદ પોલીસ કરી શકે છે જેઓને 7 માર્ચના રોજ ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ઇસ્લામાબાદ પોલીસે ઇમરાન ખાનની ધરપકડમાં અડચણ ઊભી ન કરવા PTIના કાર્યકર્તાઓને ચેતવણી આપી છે. પોલીસે ટ્વિટમાં કહ્યું કે જે લોકો કોર્ટના આદેશમાં વિઘ્ન ઊભું કરશે તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ જમાન પાર્ક બહાર પ્રેસ કોન્ફ્રેંસ કરી ફવાદ ચોધરીએ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.28 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદ સેશન કોર્ટે ઇમરાનને રાજ્યની તિજોરી (તોશાખાના)માંથી કરોડો રૂપિયાની ભેટ ખૂબ જ સસ્તા ભાવે વેચવા બદલ દોષી ઠેરવ્યો હતો. આ પછી તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.