રશિયામાં ખાનગી સેના દ્વારા બળવાની સ્થિતિ સર્જાઈ છે આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું- વેગનેરે અમારી સાથે દગો કર્યો છે પણ અમે જનતાનું રક્ષણ કરીશું.
પુતિને વધુમાં કહ્યું હતું કે અમે દેશને આંતરિક વિદ્રોહથી બચાવીશું.
વેગનરે અમારી સેનાને પડકાર ફેંક્યો છે અને પ્રાઈવેટ આર્મીએ દેશની જનતા સાથે છેતરપિંડી કરી છે. અમે કોઈપણ સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા કરીશું.
પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે આપણે જે સામનો કરી રહ્યા છીએ તે આંતરિક વિશ્વાસઘાત છે. જે કોઈ બળવાની તરફેણમાં પગલા ભરશે તેમને સજા કરવામાં આવશે.
તેમણે કાયદો અને દેશના લોકોને જવાબ આપવો પડશે.અમે અમારા દેશને આંતરિક દેશદ્રોહથી બચાવીશું.
પ્રિગોઝિનના વિદ્રોહ પછી, રશિયન સંરક્ષણ મંત્રાલયે પણ ઝડપી પ્રતિક્રિયા આપી છે અને પ્રિગોઝિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. પ્રિગોઝિનને સશસ્ત્ર બળવો માટે 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
રશિયાની તપાસ એજન્સી FSBએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ બાદ વેગનર ચીફ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. તેની સામે સશસ્ત્ર બળવો ઉશ્કેરવાનો આરોપ છે. સૈનિકોને તેમના કોઈપણ આદેશનું પાલન ન કરવા અને તેમની અટકાયત કરવા માટે કહેવામાં આવ્યું છે.
રશિયાએ આજે શનિવારે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિન પર બળવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો.
મોસ્કો હાઈ એલર્ટ પર છે. રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પ્રિગોઝિને દાવો કર્યો છે કે તેના સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને તેમણે રશિયન સેનાના એક હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે. ઘટનાક્રમ સંબંધિત તમામ માહીતી રાષ્ટ્રપતિ પુતિનને જણાવવામાં આવી રહી છે.
વેગનરે એવો પણ દાવો કર્યો છે કે તેની સેનાએ રોસ્તોવ શહેરમાં અનેક જગ્યાઓ પર કબજો કરી લીધો છે. પ્રિગોગીને કહ્યું છે કે જે કોઈ તેના રસ્તામાં આવશે, તેને ખતમ કરી દેવામાં આવશે. રોસ્તોવના મેયરે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.
રોયટર્સ અનુસાર, રોસ્તોવમાં લશ્કરી સ્થળો પર મોટી સંખ્યામાં વેગનર સૈનિકો તહેનાત છે.
પ્રિગોઝિને દાવો કર્યો છે કે રોસ્તોવમાં તમામ લશ્કરી સ્થળો અને એરોડ્રોમ વેગનરના કબજામાં છે
મહત્વનું છે કે રશિયામાં બળવો કરનાર વૈગનર ગ્રુપ એ ત્યાંનું એક ખાનગી સેના જૂથ છે, જે રશિયાની અધિકારીક સેના સાથે મળીને યુક્રેનમાં મિલિટરી ઓપરેશન ચલાવી રહ્યું છે. તેના પ્રમુખ પ્રિગોઝિનને એક સમયે વ્લાદિમીર પુતિનના નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી તેમણે રશિયન સેનાની ટીકાઓ કરવાનું શરૂ કરી દીધું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં જે પ્રાઈવેટ આર્મી વૈગનર ગ્રુપની મદદ લઈ રહ્યા હતા, તેણે જ રશિયા સામે મોર્ચો ખોલી દેતા પુતીન ભેરવાઈ પડયા છે.