ઇઝરાઇલે ફરી ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો અને ગઈરાત્રે સતત 10 મિનિટ સુધી વિમાનથી બોમ્બનો વરસાદ કર્યો હતો. પેલેસ્ટાઇનના ગાઝા શહેર પર ઇઝરાયેલે 60 હવાઇ હુમલા કર્યા હતા. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 8 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં હમાસે 3100 રોકેટ દાગ્યા છે.
ઇઝરાઇલના ઘણા શહેરોમાં લોકોની છેલ્લી ઘણી રાત વિસ્ફોટોના અવાજ વચ્ચે પસાર થઇ રહી છે. ગાઝા શહેરથી હમાસ રોકેટ હુમલો કરે છે, ત્યારે ઇઝરાઇલ તેની વાયુ સંરક્ષણ પ્રણાલીથી આ રોકેટનો આકાશમાં નાશ કરે છે. હમાસના કેટલાક રોકેટ ઇઝરાઇલને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઇઝરાઇલના જુદા જુદા વિસ્તારોમાં હમાસના હુમલાથી નુકસાન પણ જોવા મળે છે.
એક બાજુ ઇઝરાયલ ગાઝા પર હુમલો કરી રહ્યો છે, બીજી તરફ ઇઝરાયલની અંદર જ પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયલની સેના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇનના સમર્થક ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે ઇઝરાયલમાં રહેતા પેલેસ્ટાઇનના સમર્થકોએ અનેક શહેરોમાં તોફાનો ફેલાવ્યા છે અને સેના સાથે ઘર્ષણ થઇ રહ્યું છે.
તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી
હવે તો ઇઝરાયલ વિરુદ્ધ ઘણા મુસ્લિમ દેશ એક થઇ ગયા છે અને તેમાં તુર્કી સૌથી આગળ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગાને ઇઝરાયલને ધમકી આપી છે. એર્દોગાને જણાવ્યું કે સીરિયાઈ સરહદ પાસે જે પ્રકારે આતંકવાદીઓનો રસ્તો રોક્યો. એ જ પ્રકારે મસ્જીદ-એ-અક્સા તરફ વધી રહેલા હાથોને પણ તોડી દેશે.
માત્ર આતંકવાદીઓ જ છે નિશાના પર – બેંજામિન નેતન્યાહૂ
ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ જણાવ્યું કે હમાસ જાણી જોઇ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે અને પોતે સામાન્ય નાગરિકો પાછળ છુપાઇ રહ્યો છે. અમે અમારા લોકોને બચાવવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય લોકોને નુકશાન પહોંચાડ્યા વગર સીધા આતંકવાદીઓને નુકશાન બનાવી રહ્યા છે.