તૂર્કીની સેનાએ સીરિયાના આફરિન શહેર પર કબજો કરી લીધો છે. તૂર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગાને કહ્યું કે 20 જાન્યુ.એ શરૂ થયેલા ઓપરેશનના પરિણામ આવી ગયાં છે. કુર્દિશોને આફરિન શહેરમાંથી ભગાડી દેવાયા છે. સાથે જ પીઆઈડી/ પીકેકેના આતંકીઓનો પણ સફાયો કરી દેવાયો છે. તેમણે આ જીતનો શ્રેય 18 માર્ચે શહીદ થયેલા તેમના સૈનિકોને આપ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે અમે સીરિયાના પૂર્વોત્તર ક્ષેત્રોને કુર્દિશોના કબજાથી આઝાદ કરાવવા માટે આગળ વધીશું.
હુમલાથી બચવા આફરિનના હજારો લોકો તૂર્કીની સરહદે પહોંચ્યા છે. ગત અઠવાડિયામાં 2.5 લાખ લોકો તૂર્કી પહોંચી ગયા છે. તૂર્કીના સમર્થનમાં લડી રહેલા 13 લોકો રવિવારે મૃત્યુ પામ્યા હતા. તેના બાદ તૂર્કીની સેનાએ તાબડતોડ હુમલા કર્યા હતા.
આફરિન પર કબજો જમાવતાં જ તૂર્કી સમર્થકોએ લૂંટફાટ, આગચંપી સાથે હિંસા શરૂ કરી હતી.સમગ્ર શહેરમાં દુકાનો અને વાહનોના શોરૂમ લૂંટી લીધા હતા. એક પ્રતિમાને પણ તોડી પાડી હતી. સીરિયા બે તરફથી હુમલા સહન કરી રહ્યું છે. આફરિન ઉપરાંત પૂર્વ ઘોઉટામાં થયેલા હુમલામાં 1500થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.