મેક્સિકોના લુઈસ પોટોસી શહેરમાં એક માતાએ ત્રણ નવજાત બાળકો એટલે કે ટ્રિપલેટ્સને જન્મ આપ્યો છે. આ બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસમાં નવાઈની વાત તો એ છે કે, બાળકોના માતા કે પિતા કોરોના નેગેટિવ છે, તો પછી કોરોના વાઈરસ આ બાળકો સુધી કેવી રીતે પહોંચી ગયો? ડોક્ટરને પણ હજુ આ વાત માનવામાં આવી રહી નથી અને તેનું કારણ પણ ખબર નથી. ત્રણ બાળકોમાં 2 દીકરા અને એક દીકરી છે.
રાજ્યના સ્વાસ્થ્ય સચિવ મોનિકા લિલીઆના રાન્ગેલે કોન્ફરન્સમાં આ કેસ વિશે કહ્યું કે, નવજાત બાળકોના માતા-પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આ કેસે અમારું ધ્યાન વધારે આકર્ષિત કર્યું છે. હાલ ડોક્ટરને લાગે છે કે, કોરોના બાળકોમાં એસિમ્પટોમેટિક એટલે કે કોરોનાનાં લક્ષણ ના દેખાયા હોય તે માતા માંથી ફેલાયો છે. અમેરિકાની યેલ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ રિસર્ચમાં જણાવ્યું હતું કે, ગર્ભનાળથી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોય તેવો કેસ સામે આવી ચૂક્યો છે. જો ડિલિવરી પછી નવજાત બાળકો કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો તેમને ચેપ લાગી શકે છે.