America અમેરિકાથી પરત મોકલાયેલા 205 ભારતીયો પૈકી 33 ગુજરાતીઃ એરપોર્ટ પર જ થશે પૂછપરછ
America અમેરિકાએ કાઢી મૂકેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો આજે વતન પરત ફરશે, જેની એરપોર્ટ પર જ પૂછપરછ કરાશે. અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ પછી તમામની પૂછપરછ ઉપરાંત વોન્ટેડ હોય, તેઓને કસ્ટડીમાં લેવાની સૂચના પણ અપાઈ છે.
America અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા દુનિયાભરના લોકોને વતન પરત કરવામાં આવશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વાત કરી હતી. આ પછી તેમણે સત્તા ઉપર આવ્યા પછી અમેરિકામાં દરોડા પડાવી સેંકડો ઘૂસણખોરોને પકડવા શરૂ કરી વતન પરત કરવા કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગરૂપે 205 ભારતીય ઘૂસણખોરોને લઈ એક મિલિટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ ઉપર ઉતરાણ હાથ ધરશે. પંજાબ પોલીસને ઉતરાણ પછી ઘૂસણખોરી કરનાર તમામની પૂછપરછ કરવા માટે, એમાંથી કોઈ વ્યક્તિ વોન્ટેડ હોય તેની સામે કેસ નોંધાયેલા હોય તો તેને કસ્ટડીમાં લેવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 205 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે.
આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચ્યા હતા. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે, જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે, જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે, જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે.
અમેરિકન મિલિટરીનું સી-17 એરક્રાફ્ટ આ ભારતીયોને લઈ સેન એન્ટોનિયો, ટેક્સાસથી ભારતીય સમય અનુસાર પરોઢિયે ત્રણ કલાકે રવાના થયું અને લગભગ 24 કલાક બાદ પંજાબના અમતસર એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ વિમાનમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર મોટાભાગના પંજાબ કે ઉત્તર ભારતના હોય તેવી શક્યતા છે.