રશિયા અને ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ ફરી એકવાર નવા પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય કર્યો છે. આગામી દસ વર્ષમાં તેના ઔદ્યોગિક ઉત્પાદન પર આશરે રૂ. 70 હજાર કરોડનો ખર્ચ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉત્પાદન દક્ષિણ કેરોલિનામાં સવાના નદીના કિનારે સ્થિત ફેક્ટરીમાં અને ન્યૂ મેક્સિકોના લોસ એલ્મોસમાં થશે. અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ વખતે સવાના નદીની ફેક્ટરી અમેરિકન પરમાણુ હથિયારો માટે ટ્રિટિયમ અને પ્લુટોમિયમનું ઉત્પાદન કરતી હતી. બે લાખ એકરમાં ફેલાયેલી આ ફેક્ટરીમાં હજારો લોકો કામ કરતા હતા. હવે અહીં 3 કરોડ, 70 લાખ ગેલન રેડિયોએક્ટિવ પ્રવાહી કચરો ભેગો થઈ ચૂક્યો છે.
30 વર્ષ પછી આ જ સ્થળે ફરી પરમાણુ શસ્ત્રસરંજામ તૈયાર કરાશે. અમેરિકાની સંસ્થા ધ નેશનલ ન્યુક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન અહીં પરમાણુ હથિયારો બનાવે છે, જે અમેરિકન ઊર્જા વિભાગનું જ એક અંગ છે. આ સંસ્થાનું માનવું છે કે, હાલના પરમાણુ હથિયારો આઉટડેટેડ થઈ ચૂક્યા છે અને તેને બદલવાની જરૂરિયાત છે. તેમાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય કારણ કે, નવી ટેક્નોલોજી અનેકગણી વધુ સુરક્ષિત છે. હકીકતમાં અહીંના લોકોમાં ભય છે કે, ફેક્ટરી શરૂ થઈ તો લોકો રેડિયેશનની ચપેટમાં આવી શકે છે. સ્ટૉકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના આંકડા પ્રમાણે, અમેરિકા પાસે 7,550 પરમાણુ હથિયાર છે. અમેરિકાએ 1,750 પરમાણુ બોમ્બના મિસાઈલો અને બોમ્બ વરસાવી શકતા વિમાનો પણ તહેનાત રાખ્યા છે.