નવી દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયાના સેન્ટા આનામાં એક મહિલા આઠ ઇંચ-પાતળી જગ્યામાં ફસાઈ ગઈ, જેથી તેનું બહાર નીકળવું અશક્ય હતું. જ્યારે બે બિલ્ડિંગની દિવાલની વચ્ચેથી મદદ માટે ચીસો પાડતી મહિલાનો અવાજ લોકોએ સાંભળ્યો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને બચાવવા બચાવ કામગીરી શરૂ કરી હતી. અમેરિકાના કેલિફોર્નિયામાં બે બિલ્ડિંગની વચ્ચે માત્ર 8 ઇંચ પાતળા અવકાશમાં ફસાયેલી એક મહિલાને બચાવ કામદારોએ બચાવી લીધી હતી. જો કે બે કલાકની મહેનત બાદ મહિલાને બચાવકર્તાઓએ સલામત રીતે બહાર કાઢી હતી, ઘટના સમયે મહિલા કપડા વગરની હતી. મહિલાને નગ્ન અવસ્થામાં જોઈ ત્યાં ઉપસ્થિત સૌકોઈ ચોંકી ઉઠ્યું હતું.
સેન્ટા આનામાં ઓરેંજ કાઉન્ટી ફાયર ઓથોરિટી (ઓસીએફએ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેઓને બપોરે 2 વાગ્યે ઘટનાની માહિતી મળી. માહિતી મળતાની સાથે જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમને કહેવામાં આવ્યું હતું કે દિવાલની અંદરથી એક મહિલાનો અવાજ આવી રહ્યો છે. જ્યારે ઓસીએફએ બચાવનારાઓએ દિવાલમાં એક છિદ્ર જોયું, તો તેઓ ચોંકી ગયા. બંને બિલ્ડિંગો વચ્ચેનું અંતર લગભગ 8 ઇંચનું હતું. આ ગેપમાંથી જ એક જોરથી અવાજ આવી રહ્યો હતો. તેમછતાં કોઈ એ સમજી શક્યું ન હતું કે તે મહિલા 8 ઇંચની જગ્યામાં કેવી રીતે પ્રવેશી ?
બચાવ ટીમના સભ્યોએ કહ્યું કે મહિલાને બહાર કાઢવા માટે બિલ્ડિંગનો મોટો હિસ્સો તોડી નાખવો પડ્યો હતો, ત્યારે તે બહાર નીકળી શકી. મહિલા કેવી રીતે ત્યાં પહોંચી તેની વિગતો હજી બહાર આવી નથી. ફાયર ઓથોરિટી દ્વારા બચાવ કામગીરીનો વીડિયો ટ્વિટર પર મૂકવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે બે કલાકની જહેમત બાદ મહિલાને કેવી રીતે બહાર કાઢી શકાઈ.