મહિલાઓ માટે વધુ એક દમનકારી પગલું ઉઠાવતા છોકરીઓને અભ્યાસ માટે વિદેશ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેશમાંથી યુએસ સૈનિકોની પાછી ખેંચી લેવાયા અને યુએસ સમર્થિત સરકારના પતન પછી, તાલિબાનની આગેવાની હેઠળની વચગાળાની અફઘાન સરકાર સત્તામાં આવી. તાલિબાને અફઘાન મહિલાઓને તેમના ઘરની બહાર કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને શાળાઓમાં લિંગ આધારિત અલગતા દાખલ કરી છે. છોકરીઓને છઠ્ઠા ધોરણ પછી શિક્ષણ મેળવવાની મંજૂરી નથી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કાબુલના સૂત્રોએ જણાવ્યું કે હવે તાલિબાને વિદ્યાર્થિનીઓને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ છોડીને કઝાકિસ્તાન અને કતારમાં અભ્યાસ કરવા દેવાની ના પાડી દીધી છે. સ્ત્રી અને પુરૂષ વિદ્યાર્થીઓ કાબુલ છોડવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ અફઘાનિસ્તાનમાંથી માત્ર પુરૂષ વિદ્યાર્થીઓને જ છૂટ આપવામાં આવી હતી. ભૂતકાળમાં, તાલિબાનોએ તમામ મહિલાઓને જાહેરમાં તેમના ચહેરા ઢાંકવાની ફરજ પાડી છે. મહિલાઓને મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અને પુરુષો સાથે પાર્કમાં જવાની મંજૂરી નથી.
જ્યારે તાલિબાને ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો, ત્યારે તેણે એવી નીતિઓ અમલમાં મૂકી જે ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટેના મૂળભૂત અધિકારોને ગંભીરપણે પ્રતિબંધિત કરતી હતી. તાલિબાનના ફરમાનમાં મહિલાઓને મુસાફરી પર પ્રતિબંધ છે. પ્રવાસ દરમિયાન તેના કોઈ પુરુષ સંબંધીનું હોવું જરૂરી છે. કેટલાક અધિકાર જૂથોએ તાલિબાનને મોટા નીતિગત ફેરફારો અને મહિલાઓ અને છોકરીઓના અધિકારોને જાળવી રાખવા માટેના પગલાં અમલમાં મૂકવા હાકલ કરી છે.
તાલિબાને, અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં, એક સમાવેશી સમાજ બનાવવા અને મહિલાઓને સમાનતા આપવાનું વચન આપ્યું હતું. જ્યારે તેના કારનામા અલગ ચિત્ર રજૂ કરે છે. મીડિયામાં કામ કરતી લગભગ 80 ટકા મહિલાઓએ તાલિબાનને કારણે તેમની નોકરી ગુમાવી છે. દેશમાં લગભગ 18 મિલિયન મહિલાઓ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક અધિકારો માટે પોકાર કરી રહી છે.