સિડનીઃ અત્યારે ઓસ્ટ્રેલિયાના મધ્ય ઉત્તર કોસ્ટ વિસ્તારમાં પૂરે તબાહી મચાવી છે. ઓસ્ટ્રેલિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. અડધી રાત્રે અનેક લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થવાની ફરજ પડી હતી. રવિવારે લોકોને સ્થળાંતર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ડિઝાસ્ટર સર્વિસે શનિવારે સહાય માટે 640 કોલનો જવાબ આપ્યો હતો, તેમાંથી 66 કોલ્સ પૂરમાંથી બચાવવા માટે કરવામાં આવ્યા હતા. રાજ્યના વડા પ્રધાન ગ્લેડીસ બેરેજિક્લિયને કહ્યું કે સેંકડો લોકોને બચાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે લગભગ 100 વર્ષમાં પહેલીવાર આવી દુર્ઘટના આવી છે અને રાજ્યના મધ્ય ઉત્તર કોસ્ટ (ઓસ્ટ્રેલિયા પૂરના ક્ષેત્ર) માં ઘણા સ્થળોએ લોકોને સ્થળાંતર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓ લોકોને પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં ન જવા વિનંતી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠાના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. અધિકારીઓ કહે છે કે અહીં મોટી સંખ્યામાં મકાનોને નુકસાન પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ગ્લેડીસ બેરેજિક્લિયને અહીં કહ્યું છે અગાઉ અમને લાગ્યું કે 20 વર્ષમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે, પરંતુ હવે એવું લાગે છે કે 50 વર્ષમાં આ પહેલી વાર બન્યું છે. સિડનીની ઇશાન દિશામાં રહેતા લોકોને મધ્યરાત્રિએ પોતાનું ઘર છોડીને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી છે.
પાણી ભરવાના કારણે અહીં ઘણું નુકસાન થયું છે. હવે અન્ય ચાર હજાર લોકોને પણ ઘર છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. ટીવી અને સોશિયલ મીડિયા પર પૂરના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં ઘરો અને રસ્તાને નુકસાન થયેલું તેમાં તૂટેલા વૃક્ષો જોઇ શકાય છે.
અધિકારીઓનું કહેવું છે કે સેંકડો ઘરોને નુકસાન થયું છે. ઘણા મોટા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓને શાળાએ આવવાની મનાઈ કરવામાં આવી છે. પૂરની આ ઘટના વર્ષ 2019 ના અંતમાં અને 2020 ની શરૂઆતમાં જંગલોની આગ બાદ મોટી ઘટના તરીકે કહેવામાં આવી રહી છે.
જેમાં ન્યૂ સાઉથ વેલ્સની ઓછામાં ઓછી 7 ટકા જમીનને નુકસાન થયું છે. ન્યુ સાઉથ વેલ્સના ઓછામાં ઓછા 13 વિસ્તારોમાં લોકોને પૂરના વધતા જતા જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે અને તેમને ઘર છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.