ઑસ્ટ્રેલિયાના ઈતિહાસમાં સૌથી ભયાનક આગ લાગી છે. પરિણામે અંદાજે 50 કરોડ સજીવો મૃત્યુ પામ્યાનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો અત્યાર સુધીમાં કોઈ પણ હોનારતમાં માર્યા ગયેલા સજીવો કરતાં વધારે છે. આગ લાગવાથી ઑસ્ટ્રેલિયાના ન્યુસાઉથવેલ્સ અને વિક્ટોરિયા રાજ્યને જોડતો પ્રિન્સેસ હાઈવે બંધ થયો છે. કેમ કે કે આગ પ્રસરતી પ્રસરતી હાઈવેની બન્ને તરફ ફેલાઈ ગઈ છે. પરિણામે અંદાજે 30,000 સ્થાનિક-પરદેશી પ્રવાસીઓ ફસાઈ ગયા છે. સરકારે સૌ કોઈને સ્થળ ખાલી કરવા સૂચના આપી દીધી છે. આગ લગભગ એક હજાર કિલોમીટર પહોળા પટ્ટામાં આગળ વધી રહી છે.
ઑગસ્ટ 2019થી ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વમાં આવેલા જંગલોમાં આગ લાગી છે. ન્યુ સાઉથ વેલ્સના જંગલોમાં નિયમિત રીતે આગ લાગતી હોય છે. પરંતુ આ વખતની આગ વધારે આક્રમક છે. અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર વિસ્તાર સળગાવી દીધો છે અને 900 ઘરો બળી ગયા છે. વધુમાં જંગલ નજીક રહેતા અંદાજે એક લાખ લોકોને સ્થળાંતરિત થઈ જવાની સૂચના ગત રવિવારે આપી દેવાઈ છે.કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 41થી 47 ડીગ્રી સુધી પહોંચી ગયું છે અને દેશના છમાંથી કોઈ રાજ્ય એવુ નથી જ્યાં સરેરાશ તાપમાન 40 ડીગ્રીથી ઓછુ હોય. ઑસ્ટ્રેલિયા જેવા દક્ષિણ છેેડે આવેલા ખંડ માટે આ તાપમાન અસહ્ય છે. અત્યાર સુધીમાં દસ વ્યક્તિના મોત નોંધાયા છે. આ સ્થિતિ વચ્ચે પણ સિડનીમાં નવા વર્ષની તૈયારી ચાલી રહી છે.
દર વર્ષે 31મી ડિસેમ્બરની મધરાતે સિડની ખાતે ભવ્ય આતશબાજી થાય છે. આ વખતે પણ 45 લાખ ડૉલરના ખર્ચે આતશબાજીનું આયોજન થયું છે. તેની સામે દેશ-દુનિયામાંથી વિરોધ ઉઠયો છે. આ રકમ આગ ઓલવવા અને આગ ઓલવવાનું કામ કરતા ફાયર ફાઈટરો પાછળ ખર્ચાય એવી લોકોની ડિમાન્ડ છે. માટે સરકાર અવઢવમાં મુકાઈ છે. ઑસ્ટ્રેલિયા પૂર્વમાં આવેલો દેશ હોવાથી નવા વર્ષને વધાવવા હજારો પ્રવાસી દર વર્ષે ત્યાં આવતા હોય છે.પૃથ્વીના વધતા તાપમાનથી અમેરિકાના જંગલો, એમેઝોનના જંગલો, ઑસ્ટ્રેલિયાના જંગલો મહિનાઓથી સળગી રહ્યા છે. દાવાનળના બનાવો સર્વત્ર વધી રહ્યાં છે. ચાલુ વર્ષે એમેઝોનમાં લાગી હતી તેનાથી ઑસ્ટ્રેલિયાની આગ ઘણી મોટી છે.