આર્થિક મોરચા પર સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને વૈશ્વિક સંબંધોને લઇ પણ સતત ઝાટકા મળી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધ ખત્મ કરવાની જાહેરાત કરી છે. ઑસ્ટ્રેલિયાની તરફથી આપવામાં આવતી સહાયતાની રકમનો ઉપયોગ ગરીબ મહિલાઓ અને છોકરીઓ માટે જનકલ્યાણકારી યોજનાઓ માટે કરાતો હતો. ઑસ્ટ્રેલિયાના વિદેશ વિભાગ અને વાણિજય વિભાગની તરફથી તેની પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનને આપવામાં આવતી સહાયતા રકમ રોકવામાં આવી
ઑસ્ટ્રેલિયાની તરફથી 1.9 કરોડ ઑસ્ટ્રેલિયન ડોલરની મદદ રોકવામાં આવી રહી છે. ઑસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે આ આશયનો રિપોર્ટ રજૂ કરતાં કહ્યું છે કે પાકિસ્તાનને આપવામાં આવતી સહાયતા રકમ હવે બંધ કરાય રહી છે. સહાયતા રકમનો ઉપયોગ પ્રશાંત મહાસાગરની નવી પ્રતિબદ્ધતાઓ માટે કરાશે.
પાકિસ્તાન પર ‘સહાયતા કાર્યક્રમ પ્રદર્શન રિપોર્ટ 2018-19’ના શીર્ષકથી રિપોર્ટ રજૂ કરાયો છે, તેમાં સહાયતા રકમ રોકવાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે. રિપોર્ટના મતે પાકિસ્તાન દ્વિપક્ષીય સહાયતા કાર્યક્રમ 2019-20મા 1.9 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર સુધી ઘટાડાશે. ત્યારબાદ 2020-21 દરમ્યાન તેને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવાશે. ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી કે સહાયતા રકમ રોકવાની અંતર્ગત પાકિસ્તાનની સાથે ક્ષેત્રીય સહયોગ અને શિષ્યવૃત્તિઓના કાર્યક્રમ પર તેની અસર પડશે નહીં.
પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ વિસ્ફોટક, કાશ્મીરનો પણ ઉલ્લેખ
પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા અને દેશની અંદર ચાલી રહેલા સંઘર્ષને લઇ રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરાઇ છે. રિપોર્ટના મતે પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ વિસ્ફોટક સ્થિતિમાં પહોંચી ગયું છે. 2019ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાન અને ભારતની વચ્ચે કાશ્મીરમાં થયેલા સૈન્ય તણાવ બાદથી સ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ છે. રિપોર્ટમાં કહ્યું છે કે પંજાબ અને સિંધ વિસ્તારમાં આતંકી વારદાતમાં ઘટાડો આવ્યો છે પરંતુ ખૈબર પખ્તનૂખ્વા અને બલુચિસ્તાનમાં આતંકી ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આ બંને ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવતી સહાયતા રકમનો ઉપયોગ વિભિન્ન કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ થાય છે.