Balochistan: બલુચિસ્તાનમાં હિંસાનો તાંડવ: ટ્રેન હાઇજેક બાદ સુરક્ષા દળોની બસમાં વિસ્ફોટ, પાંચ અધિકારીઓનાં મોત
Balochistan: પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાં સતત હિંસક ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં, નૌશ્કી જિલ્લામાં સુરક્ષા દળોને લઈ જતી એક બસમાં શક્તિશાળી વિસ્ફોટ થયો, જેમાં પાંચ સૈન્ય અધિકારીઓના મૃત્યુ થયા અને 12 જવાન ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ લીધી છે.
વિસ્ફોટમાં ભારે નુકસાન
સ્થાનિક પોલીસ વડા ઝફર ઝમાનાના જણાવ્યા અનુસાર, નૌશ્કી-દાલબંદીન હાઇવે પર ચાલતી બસમાં રસ્તાની બાજુમાં મૂકાયેલા બોમ્બનો વિસ્ફોટ થયો. આ હુમલામાં બસને ગંભીર નુકસાન પહોંચ્યું, અને નજીકમાં આવેલી બીજી એક બસ પણ અસરગ્રસ્ત થઈ. હુમલામાં ઘાયલ થયેલા સૈનિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
બલુચિસ્તાન સરકારે નિંદા કરી
બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ હુમલાની કટ્ટર નિંદા કરી છે. સરકારના પ્રવક્તા શાહિદ રિંદે હુમલાને નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો સામેની ક્રૂર અને કાયરતાભરી હરકત ગણાવી. તેમણે જણાવ્યું કે આતંકવાદી તત્વો દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આવા હુમલાઓ દ્વારા લોકોનું મનોબળ ઓછું કરી શકાશે નહીં.
ટ્રેન હાઇજેકની ઘટનાથી હલચલ
આ હુમલા પહેલા, મંગળવારે બલૂચિસ્તાનના ગુડાલર અને પીરુ કુનરીના પહાડી વિસ્તારમાં ક્વેટાથી પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક થઈ હતી. બળવાખોરોએ ટ્રેનના પાટા ઉડાવી દીધા અને 400થી વધુ મુસાફરો સાથે કબજો કરી લીધો.
BLAએ દાવો કર્યો કે આ હુમલામાં 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન 21 મુસાફરોના મોત થયા, જ્યારે જવાબી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોએ 33 બળવાખોરોને ઠાર માર્યા.
ચાલુ હિંસાના કારણે બલુચિસ્તાનમાં દહેશત
બલુચિસ્તાનમાં સતત વધતા હુમલાઓ અને આતંકી પ્રવૃત્તિઓને કારણે સ્થાનીક લોકોમાં ભયનો માહોલ છે. પાકિસ્તાન સરકાર આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લેતી હોવાનો દાવો કરી રહી છે, પરંતુ હકીકત એ છે કે બલૂચિસ્તાનમાં આતંકવાદ અને બળવાખોરી દિનપ્રતિદિન વધતી જઈ રહી છે.