નવી દિલ્હી : બાંગ્લાદેશ ટેલિકમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન (બીટીઆરસી) એ બાંગ્લાદેશ-ભારત સરહદની આસપાસના તમામ મોબાઇલ નેટવર્ક બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભારત સાથેની સરહદોના 1 કિલોમીટરની અંદર આવતા તમામ મોબાઇલ ટાવરો સોમવારે જ બંધ કરી દેવામાં આવ્યા છે. બીટીઆરસીએ રવિવારે જ આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. હવે નવા આદેશમાં સરહદી વિસ્તારોના તમામ ટાવરો બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
બીટીઆરસીના વરિષ્ઠ સહાયક નિયામક (મીડિયા) એ પત્રકારોને જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા જારી કરાયેલા ઉચ્ચ સ્તરીય સૂચના બાદ સરહદ નેટવર્ક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.” બાંગ્લાદેશની સેલફોન કંપનીમાં કાર્યરત એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સરકાર તરફથી સૂચના મળ્યા બાદ તરત જ તેનો અમલ કરવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું, ‘સરહદ વિસ્તારમાં લગભગ બે હજાર મોબાઇલ ફોન ટાવર્સ છે. આ બધા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સરહદ વિસ્તારના લગભગ 10 કરોડ વપરાશકારોને અસર કરશે. આ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદ વિસ્તારમાં આગામી ઓર્ડર નહીં આવે ત્યાં સુધી મોબાઈલ નેટવર્ક બંધ રાખવામાં આવે.