બેંગલુરુઃ દાણચોરીના અનેક કિસ્સાઓ બનતા રહે છે. વિદેશથી આવતા લોકો પોતાની સાથે સોનું લઈને ભારત આવે છે. પરંતુ બેંગ્લુર એરપોર્ટ ઉપર એવું કપલ ઝડપાયું હતું. જેની બેગમાંથી સોનું નહીં પરંતુ 2.8 કરોડ રૂપિયાના પાર્સલ નીકળ્યા હતા. જેમાં આઈફોન અને પ્રો મેક્સના ફોન હતા. આ કપલ ફ્રાન્સથી ભારત આવ્યું હતું અને બેંગ્લુરુ એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓના હાથે ઝડપાયું હતું.
મળતી માહિતી પ્રમાણે મૂળ ભારતીય અને અમેરિક પાસપોર્ટ ધરાવતું કપલ એર ફ્રાન્સની ફ્લાઈટમાં શનિવારે બેંગલુરુ લેન્ડ થયું હતું. તેમની પાસેથી 37 જેટલા બેંક કાર્ડ પણ જપ્ત કરાયા છે. સૂત્રોનું માનીએ તો, 49 વર્ષીય પુરુષ અને તેની 38 વર્ષની પત્નીના સામાનની ઝડતી લેતી વખતે તેમાંથી 206 જેટલા કાળા કલરના નાના બોક્સ નીકળ્યા હતા.
જેમાં iPhone 12 Pro અને Pro Max ફોન હતા. ભારતમાં આ ફોનની જેટલી કિંમત છે તેના આધારે જપ્ત કરાયેલા ફોનનું મૂલ્ય 2.74 કરોડ જેટલું થવા જાય છે.
આ કપલ મુંબઈથી 13 ફેબ્રુઆરી 2021ના રોજ ફ્રાંસ જવા રવાના થયું હતું અને ત્યાંથી પોતાની સાથે 206 જેટલા આઈફોન લાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ વતી કામ કરતા હતા, જેની બેંગલુરુમાં મજબૂત લિંક હતી.
જે ફોન દાણચોરી કરી લવાયા તેમનું ભારતમાં ગેરકાયદે રીતે વેચાણ થવાનું હતું. કપલે ફોનની હેરફેર માટે મારુતિ એર્ટિગા કાર પણ રાખી હતી, જેને પણ જપ્ત કરાઈ છે.
રવિવારે આ કપલને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયું હતું. તેમને હાલ 12 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.