Los Angeles: લોસ એન્જલસમાં ઈતિહાસની સૌથી મોટી આફત, દાવાનળમાં અમેરિકાનાં 12.89 લાખ કરોડ ભસ્મીભૂત
Los Angeles અમેરિકાના કેલિફોર્નિયામાં લોસ એન્જલસ ખાતે લાગેલી ઈતિહાસની સૌથી ભયાનક આગમાં અત્યાર સુધીમાં 10 નાગરિકના મૃત્યુ થયા છે અને સેંકડો મકાનો, આલિશાન બંગલા, વિલા ખાક થયા છે. ચારેબાજુ આગની હાલત વચ્ચે એક અંદાજ મુજબ આ આગથી અમેરિકાને 135થી 150 અબજ ડોલરથી વધુ નુકસાન થયું છે. પહેલાથી જ દેણાંના ડુંગર નીચે રહેલા અમેરિકી અર્થતંત્રને લોસ એન્જિલિસની આગથી ગંભીર ફટકો પડશે. પોલીસે આગ માટે શંકાને આધારે વેસ્ટ હિલ્સમાંથી એક બેઘરને પકડયો છે તેણે કરેલા ભડકાંથી આગ ભભૂક્યાનું માનવામાં આવે છે.
Los Angeles ભારતીય રૂપિયામાં અમેરિકાની 1,28,91,36,00,00,000ની સંપત્તિનો ધુમાડો થઈ ગયો છે. અમેરિકામાં હવામાનને લગતી માહિતી આપતી ખાનગી કંપની એક્યુવેધર અનુસાર લોસ એન્જલસની આગને કારણે અમેરિકાને 135 અબજ ડોલરથી 150 અબજ ડોલર સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે. જો જલ્દી આગ કાબૂમાં ન આવી તો નુકસાન હજુ વધી શકે છે. હવામાન વિજ્ઞાનિક જોનાથન પોર્ટરે કહ્યું કે આ આગ પર જલ્દી કાબૂ મેળવવો જરૂરી છે નહીં તો તે કેલિફોર્નિયાના ઈતિહાસની સૌથી ભયાનક આગ સાબિત થઈ શકે છે. 2023માં માઉના જંગલોમાં લાગેલી આગમાં 16 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
જે.પી.મોર્ગન અનુસાર લોસ એન્જિલિસમાં લાગેલી આગને કારણે 10 અબજ ડોલરનું ઈન્સ્યોર્ડ નુકસાન થયું હોઈ શકે છે. તેમાં વધુ નુકસાન મકાન માલિકોનું હશે. તેની તુલનાએ કોમર્શિયલ નુકસાન વધુ નહીં હોય. આગને કારણે 10 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કોરલોજિકનું અનુમાન છે કે આ આગને કારણે લોસ એન્જિલિસ અને રિવરસાઈડ મેટ્રો એરિયામાં 456000થી વધુ મકાનોને નુકસાન થયું હોઈ શકે છે. આ મકાનોને બનાવવામાં 300 અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે.
દેણું 36 ટ્રિલિયન ડોલર, રોજનું ર અબજ વ્યાજ !
દેણાંમાં ડૂબેલા અમેરિકાની આર્થિક હાલત આમેય સારી નથી. અમેરિકાનું દેણું 36 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયું છે જે જીડીપીના આશરે 125 ટકા છે. હાલત એવી છે કે અમેરિકાને રોજ આશરે ર અબજ ડોલર વ્યાજ તરીકે ચૂકવવા પડે છે. આગામી દાયકા સુધીમાં દેશનું કુલ દેણું પ4 ટ્રિલિયન ડોલરને આંબી જવાની સંભાવના છે.
ચાડના વૃક્ષોથી ફેલાઈ આગ, પ્રદૂષણ ગંભીર
કેલિફોર્નિયામાં લોસ એન્જિલિસ શહેર પહાડોની વચ્ચે વસેલું છે અને અહીં મોટાપાયે ચાડના વૃક્ષ છે. ચાડના એક સુકાયેલા વૃક્ષમાં આગ લાગ્યા બાદ તે ફેલાઈ હોવાનું મનાય છે. શહેરની હવામાં પ્રદૂષણનો આંક 350ને પાર કરી ગયો છે.