નોવલ કોરોનાવાઈરસની અત્યારસુધી કોઈ રસી કે દવા શોધવામાં આવી નથી. વિશ્વભરમાં વધતા જતા કેસો વચ્ચે એક રાહતભર્યા રિસર્ચનાં પરિણામો સામે આવ્યા છે. આ રિસર્ચ મુજબ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ કોરોનાવાઈરસનાં જોખમને વધતું અટકાવે છે સાથે જ તે દર્દીઓને વધારે બીમાર થતાં પણ અટકાવે છે. ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં જુદાં જુદાં 3 રિસર્ચમાં આ વાત સામે આવી છે. ACE (એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાયમ્સ) ઈનહિબિટર્સ અને ARBs (એન્જિયોટેન્સિન રેસિપ્ટર બ્લોકર્સ)નામની દવાઓ કોરોનાવાઈરસનાં જોખમને અટકાવે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલાં રિસર્ચમાં ખબર પડ્યું કે આ દવાઓ શરીરમાં ‘ACE2’ નામનાં પ્રોટીનનું લેવલ વધારે છે. તેને લીધે કોરોનાવાઈરસ સામે રક્ષણ મળી રહે છે.