અમેરિકાના વોશિંગ્ટન DC હોસ્પિટલના ડોકટર્સે એક આશ્ચર્યજનક 3D વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો 59 વર્ષીય કોરોનાના ચેપગ્રસ્ત દર્દીના ફેફસાંનો છે. ડોકટરોએ આ વીડિયોથી એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે, કોરોના વાઇરસ માનવ ફેફસાંને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. આ જાણવા માટે સીટી ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ ટેક્નિકનો ઉપયોગ ફક્ત કેન્સરની તપાસ અથવા ઓપરેશન સમયે થતો હતો. આ પહેલીવાર છે જ્યારે આ ટેક્નિકથી કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વોશિંગ્ટન DC હોસ્પિટલના ડોક્ટર કીથ મોર્ટમેનનું કહેવું છે કે, જે દર્દીનો આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તે થોડા સમય પહેલા એકદમ ઠીક હતો. ચેપ લાગ્યાં બાદ તેની હાલત ખૂબ ગંભીર છે. આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. વાઇરસના કારણે તેના બંને ફેફસાં સંપૂર્ણપણે જકડાઈ ગયાં છે. વીડિયોમાં જોવા મળતો પીળો રંગ આનો ખુલાસો કરી રહ્યો છે. તેનાથી ફેફસાં યોગ્ય રીતે કાર્ય કરવાનાં બંધ કરી દે છે. ડો. મોર્ટમેને જણાવ્યું કે, આ 59 વર્ષીય ચેપગ્રસ્ત દર્દી પહેલાં એકદમ ઠીક હતો. તેમને માત્ર હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ કરી હતી. પરંતુ ચેપ લાગતાંની સાથે જ તેમના બંને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમને હાઇ સેટિંગવાળા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. પરંતુ આ પૂરતું નહોતું. ત્યારબાદ બીજું એક મશીન વાપરવામાં આવ્યું જે તેમના શરીરમાં લોહી ફેલાવવા માટે મદદ કરે છે. આ 70 કે 80 વર્ષની બીમાર વ્યક્તિ નહોતી. તેમને ડાયાબિટીસ પણ નહોતો. તેમ છતાં વાઇરસે તેમના આખા શરીરને ખૂબ જ નબળું બનાવી દીધું છે. જો એક અઠવાડિયાં પછી તેમના ફેફસાંની 360VR ઇમેજ કાઢવામાં આવે તો બની શકે કે તેમની હાલત આના કરતાં પણ વધારે ખરાબ થઈ જાય.
ડો. મોર્ટમેન કહે છે કે, વીડિયોમાં ફેફસાં પર પીળા રંગનો ડાઘ ચેપ અને સોજાની સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરી રહ્યા છે. 3D ઇમેજ પરથી સ્પષ્ટ છે કે, ચેપ ફક્ત એક જ ભાગમાં નથી થયો. પરંતુ તેણે બંને ફેફસાંને સંપૂર્ણપણે જકડી લીધાં છે. આ દર્શાવે છે કે, માણસના શરીરમાં ચેપ કેટલો ઝડપથી અને આક્રમક રીતે ફેલાય છે. જ્યારે વાઇરસ શરીરમાં પહોંચે ત્યારે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ તેની સાથે ઘણો સંઘર્ષ કરે છે. જેના કારણે શરીરના ભાગમાં સોજો આવે છે. જો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય પછી વાઇરસનો દબદબો શરૂ થાય છે. આ જ કારણ છે કે ફેફસામાં સોજો આવી જાય છે. આ લોહી અને ઓક્સિજનને ફેફસાંમાં પહોંચતા અટકાવે છે. તે ફેફસાંમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢતાં પણ અટકાવે છે અને આ રીતે ફેફસાં કામ કરવાનું બંધ કરે છે.
ડોક્ટર માર્ટિને અમેરિકાની CNN ન્યૂઝ ચેનલને ઈ-મેલ દ્વારા આ વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓના ફેફસાં પર આ પ્રકારની અસર થશે તેને સ્વસ્થ થવામાં લાંબો સમય લાગશે. આમાંના ફક્ત 2-4 ટકા દર્દીઓ જ રિકવર થઈ શકે છે.