વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, કોરોના વાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે. આ વાઈરસ એક સામાન્ય કદના રૂમમાં આશરે ત્રણ કલાક સુધી હવામાં રહી શકે છે. તેથી કોરોનાનો ખતરો એવી જગ્યાએ વધારે છે, જ્યાં હવા-ઉજાશ ઓછો અને માણસો વધારે હોય. 32 દેશના 239 વિજ્ઞાનીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને રિપોર્ટ આપ્યો છે કે કોરોના વાઈરસ હવાથી ફેલાઈ શકે છે. અમેરિકાની વર્જિનિયા ટેક રિસર્ચ યુનિવર્સિટીના એરોસોલ નિષ્ણાત ડૉ. લિન્સે મર ઉન એ સંશોધકોમાં સામેલ છે, જેમણે દાવો કર્યો છે કે આ વાઈરસ હવામાં તરીને સહેલાઈથી ફેલાઈ શકે છે. ડૉ. લિન્સેનું કહેવું છે કે હજુ એ સ્પષ્ટ નથી કે એરોસોલ તરીકે ઓળખાતા આ નાનકડા કણ છીંક કે ખાંસીની તુલનામાં કેવી રીતે વાઈરસ ફેલાવે છે. કોઈ પણ રોગનાં લક્ષણ વિનાની વ્યક્તિ શ્વાસ લે કે વાત કરે ત્યારે પણ એરોસોલ રિલીઝ થાય છે. ભીડવાળી જગ્યાએ ઓછો સમય વિતાવો અને હવા-ઉજાશ હોય ત્યાં વધુ રહો. કોઈ બંધ સ્થળે જાઓ તો ઈનડોર સ્પેસમાં પણ માસ્ક પહેરેલું રાખો. કામના સ્થળે દરવાજા-બારીઓ ખુલ્લા રાખો. કાપડથી બનેલા માસ્ક પણ એરબોર્ન વાઈરસના ખતરાને ઓછો કરી શકે છે, પરંતુ એ માટે વધુમાં વધુ લોકો માસ્ક પહેરે એ જરૂરી છે.