પેઇચિંગ : ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં 16 હજારથી વધુના મોત નિપજ્યા છે અને 3 લાખથી વધુ લોકો રોગગ્રસ્ત છે. ત્યારે વિશ્વના અલગ અલગ દેશોમાં આ રોગને નાથવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારતના મોટાભાગના વિસ્તારો સહીત અનેક દેશોમાં લોકડાઉન છે અને સમગ્ર વિશ્વ જાણે આ રોગથી થથરી રહ્યું છે ત્યારે ચીનમાં નવા વાયરસની દસ્તક થઇ હોવાની વાત સામે આવી છે. 23 માર્ચ સોમવારે, ચાઇનામાં યુન્નાન પ્રાંતના ‘હંતા વાયરસ’થી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પીડિત વ્યક્તિ કામ પરથી બસમાં શાડોંગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. તેને હંતા વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન બસમાં સવાર અન્ય 32 મુસાફરોની પણ તપાસ કરવામાં આવી છે. ચાઇના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા આ ઘટના અંગે માહિતી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.
A person from Yunnan Province died while on his way back to Shandong Province for work on a chartered bus on Monday. He was tested positive for #hantavirus. Other 32 people on bus were tested. pic.twitter.com/SXzBpWmHvW
— Global Times (@globaltimesnews) March 24, 2020
મોટી સંખ્યામાં લોકો ટ્વીટ કરી રહ્યા છે અને ડરી રહ્યા છે કે તે કોરોના વાયરસ જેવો રોગચાળો બની શકે છે. લોકો કહી રહ્યા છે કે, જો ચીનના લોકો જીવંત પ્રાણીઓને ખાવાનું બંધ નહીં કરે તો આવું જ ચાલુ રહેશે. સોશિયલ મીડિયા યુઝર શિવમ લખે છે, ‘ચીની લોકો હવે બીજા રોગચાળા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ વાયરસ ઉંદર ખાવાથી થાય છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાની વચ્ચે, ચાલો અમે તમને જણાવીએ કે આ વાયરસ શું છે અને તે કોરોના જેટલો જીવલેણ છે કે નહીં ?
જાણો, શું છે હંતા વાયરસ ?
નિષ્ણાતો માને છે કે, હંતા વાયરસ કોરોના વાયરસ જેટલો જીવલેણ નથી. કોરોનાથી વિપરીત, તે હવા દ્વારા ફેલાતો નથી. તે ઉંદર અથવા ખિસકોલીના સંપર્કમાં આવતા માનવમાં ફેલાય છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર મુજબ ‘ઉંદર ઘરની અંદર અને બહાર જાય છે, તેમાં ચેપનું જોખમ છે. જો ત્યાં તંદુરસ્ત વ્યક્તિ હોય અને તે વાયરસના સંપર્કમાં આવે, તો તેને પણ ચેપ લાગવાનું જોખમ રહેલું છે.
જોકે, હંતા વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં જતો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદરના મળ, પેશાબ વગેરેને સ્પર્શ કર્યા પછી તેમની આંખો, નાક અને મોંને સ્પર્શે તો હંતા વાયરસથી ચેપ લાગવાનું જોખમ વધારે છે.
હંતા વાયરસના લક્ષણો
જ્યારે આ વાયરસથી ચેપ લાગે છે ત્યારે વ્યક્તિને તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, પેટમાં દુખાવો, ઉલ્ટી થવી, ઝાડા વગેરે થાય છે. જો સારવારમાં વિલંબ થાય છે, તો ચેપગ્રસ્ત વ્યક્તિના ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે, તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
હંતા વાયરસ જીવલેણ છે?
સીડીસીના જણાવ્યા મુજબ, હંતા વાયરસ જીવલેણ છે. ચેપગ્રસ્ત લોકોના મૃત્યુની સંખ્યા 38 ટકા છે. હંતા વાયરસનો આ કિસ્સો ચીનમાં એવા સમયે સામે આવ્યો છે જ્યારે આખું વિશ્વ વુહાનથી ઉદ્દ્ભવેલાં કોરોના વાયરસના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 16 હજાર 500 લોકોનાં મોત નીપજ્યાં છે. એટલું જ નહીં, વિશ્વના 3,82,824 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના વાયરસના વ્યાપનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વાયરસ હવે 196 દેશોમાં ફેલાયો છે.