કોવિડ-19 મહામારીના કારણે દુનિયાભરના ધાર્મિક સ્થળોને બંધ કરી દેવાયા છે. હવે તેની અસર સાઉદી અરબના મક્કા-મદીના પર પણ જોવા મળી છે. અધિકારીઓનું કહેવું છે કે કોરોના વાઈરસના કારણે આ વર્ષે જૂલાઈમાં થતી હજ યાત્રા રદ થઈ શકે છે. આવું આના પહેલા 1798માં કરવામાં આવ્યું હતું. સાઉદી સરકારે 27 ફેબ્રુઆરીએ ઉમરા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ઉમરા હજની જેમ જ હોય છે, પરંતુ નિશ્વિત ઈસ્લામી મહિનામાં મક્કા અને મદીનાની યાત્રાને હજ કહેવામાં આવે છે. મહામારીને રોકવા માટે સરકારે પહેલા જ તમામ સરહદ સીલ કરી દીધી છે. હજ યાત્રાનો સમય ચંદ્ર કેલેન્ડરથી નક્કી કરવામાં આવે છે. આ વાર્ષિક ઈસ્લામિક કાર્યક્રમોનો મુખ્ય ભાગ છે. આ જ કારણ છે તે 1918માં ફેલાયેલા ફ્લૂ દરમિયાન પણ તેને રદ નહોતી કરાઈ. જો યાત્રા રદ થાય તો સાઉદી માટે એક વર્ષનું નુકસાન હશે, કારણ કે મહામારીના કારણે તેલની કિંમતો પહેલા જ ઘટી છે. એવામાં હજ યાત્રાથી મળતા પૈસા પણ નહીં આવે. સાઉદીમાં કોરોના વાઈરસના લગભગ 1500 કેસ સામે આવ્યા છે. 10 લોકોનું મોત થયું છે. સમગ્ર પશ્વિમ એશિયામાં લગભગ 72 હજાર લોકો કોરોનાથી સંક્રમિત છે. ગત વર્ષે અહીંયા લગભગ 20 લાખ લોકો પહોંચ્યા હતા. સાઉદીને દર વર્ષે હજ યાત્રામાંથી 91 હજાર 702 કરોડ રૂપિયાની આવક થાય છે.
સાઉદીના ઉમરા મંત્રી મોહમ્મદ સાલેહ બિન તાહિરે બુધવારે કહ્યું કે, ‘અમારી સરકાર તમામ દેશોના મુસલમાનોની સુરક્ષા કરવાની તૈયારીમાં છે. દુનિયાભરના મુસ્લીમોને અપીલ કરું છું કે જ્યાં સુધી અમારી તરફથી સ્પષ્ટતા કરી દેવામાં ન આવે, ત્યાં સુધી તમામ યાત્રા અનુબંધોને રોકી દેવામાં આવે’ લંડનમાં કિંગ્સ કોલેજમાં વોર સ્ટડીઝના લેક્ચરર શિરાજ મેહરે કહ્યું કે, ‘સાઉદી સરકારી અધિકારી લોકોને માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે, જેથી યાત્રા રદ થાય તો એવું ન લાગે કે આ પહેલી વખત થઈ રહ્યું છે. તે પહેલા થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરીને એવું જણાવવા માંગે છે કે વિશેષ પરિસ્થિતિઓમાં હજ યાત્રા રોકવામાં આવી અને આવું ફરી એકવાર થઈ શકે છે’. ઈસ્લામિક માન્યતા પ્રમાણે, તમામ સક્ષમ મુસ્લિમો માટે જીવનમાં એક વાર હજ યાત્રા જરૂરી છે. સાઉદી ખાતે આવેલા મક્કા અને મદીનાના કારણે અહીંયા દર વર્ષે દુનિયાભરથી સરેરાશ 30 લાખ મુસ્લિમ જોડાય છે.