નવી દિલ્હી : કોરોના ચેપ ચીનમાં સતત ફેલાઈ રહ્યો છે. ત્યાં અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનના 31 પ્રાંતોમાં કોરોના ચેપ ફેલાયો છે. તેમાંથી, હુબેઇનું વુહાન શહેર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઘણા ભારતીયો હજી ત્યાં ફસાયેલા છે. ભારત એરફોર્સનું એરક્રાફ્ટ (વિમાન) મોકલશે અને વુહાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે. આ ઉપરાંત ચાઇનાના કોરોના ચેપગ્રસ્ત લોકોને આ વિમાન દ્વારા તબીબી રાહત સામગ્રી પણ મોકલવામાં આવશે.
ચીનમાં મૃત્યુઆંકની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, ઘણા ભારતીય હજી વુહાનમાં ફસાયેલા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, એરફોર્સ એરક્રાફ્ટ સી -17 ગ્લોબમાસ્ટર ગુરુવારે વુહાન જઈને ભારતીયોને પરત લાવશે. તે ભારતીય વાયુસેનાના કાફલામાં સૌથી મોટું લશ્કરી વિમાન છે અને ભારે હવામાનમાં ગમે ત્યાં રાહત સામગ્રી અને ક્રૂ લઈ જઈ શકે છે.
આ વિમાનથી ચીનના ચેપગ્રસ્ત લોકોને રાહત સામગ્રી પણ મોકલવામાં આવશે. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ભારતીયોએ વુહાનથી પાછા ફરવાની વિનંતી કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. ચીનનું વુહાન પ્રાંત કોરોના વાયરસનું કેન્દ્ર રહ્યું છે અને કોરોના અહીંથી ફેલાવાની શરૂઆત થઈ હતી.