પુણે : પુણેથી 143 અફઘાન નાગરિકોને ખાસ ફ્લાઇટમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગના લોકો પૂણેમાં સંરક્ષણ (ડિફેન્સ)ના અભ્યાસક્રમો કરી રહ્યા હતા. 25 માર્ચે લોકડાઉન શરૂ થયું હોવાથી આ અફઘાન નાગરિકો તેમના દેશમાં જઇ શક્યા ન હતા. નવ ભારતીય નાગરિકો સાથે અફઘાનિસ્તાન એરલાઇન્સ કેએએમ એર (KAM AIR)નું વિમાન પહેલા પુણે એરપોર્ટ પર ઉતર્યું હતું.
આ બધા ભારતીય નાગરિકો અફઘાનિસ્તાનથી પુણે આવવા માંગતા હતા. ત્યારબાદ અહીંથી વિમાન 143 અફઘાન નાગરિકો સાથે કાબુલ તરફ પ્રયાણ કર્યું હતું. વિમાન કાબુલથી પુના આવીને દિલ્હી થઈને કુલ 5,000 કિ.મી.ની મુસાફરી કરી હતી. KAM AIRની આ વિશેષ ફ્લાઇટનો ઉદ્દેશ અફઘાનિસ્તાન સરકાર વતી ભારતમાં અટવાયેલા તેના સંરક્ષણ કર્મચારીઓ અને તેના કેટલાક નાગરિકોને પરત લાવવાનો હતો.
143 અફઘાન નાગરિકોમાં મોટાભાગે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (એનડીએ) ના કેડેટ અને પુણેમાં સંરક્ષણ અભ્યાસક્રમો કરતા અફઘાન સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક અન્ય અફઘાનિસ્તાનનાં વિદ્યાર્થીઓ પણ પૂણેમાં અભ્યાસ કરતા હતા. વિમાનમાં ચઢતા પહેલા તમામ મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું.