નવી દિલ્હી: સરકારે આઠ મહિના પછી પસંદગીની કેટલીક કેટેગરીઝ સિવાય તમામ પ્રકારના વિઝા ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉનને કારણે સરકારે તમામ પ્રકારના વિઝા સ્થગિત કર્યા હતા.
આની ઘોષણા કરતાં ગૃહમંત્રાલયે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક વિઝા, ટૂરિસ્ટ વિઝા અને મેડિકલ વિઝા સિવાયના તમામ પ્રકારના વિઝા તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
મંત્રાલયે કહ્યું હતું કે પ્રતિબંધિત વર્ગો સિવાય ભારતના વિદેશી નાગરિકો (ઓસીઆઈ) અને ભારતીય મૂળના લોકો (પીઆઈઓ) સહિતના તમામ વિદેશી નાગરિકો હવે કોઈપણ હેતુ માટે ભારત પ્રવાસ કરી શકે છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોવિડ -19 રોગચાળાને કારણે ઉદ્ભવતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ફેબ્રુઆરી 2020 થી આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર અટકાવવા માટે ઘણાં પગલાં લીધાં છે.
સરકારે હવે વિદેશી નાગરિકો અને ભારત પ્રવેશવા અથવા છોડવા જવા માંગતા ભારતીય નાગરિકોની વધુ કેટેગરીમાં વિઝા અને મુસાફરી પર પ્રતિબંધમાં ધીરે ધીરે છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે.