અમેરિકામાં રહેતું મૂળ વડોદરાનું ડોક્ટર દંપતી કોરોના દર્દીની સારવાર દરમિયાન ચેપગ્રસ્ત થયું હતું. જોકે કોરોનાને હરાવીને હાલ ડોક્ટર દંપતી ન્યૂયોર્કની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીની સારવારમાં લાગી ગયું છે. ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાના મતે ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસને કાબૂમાં રાખવા માટે સરાહનીય કામગીરી કરી છે. કોરોના વાઇરસનો અમેરિકામાં ફેલાવો થવાના પ્રથમ તબક્કામાં દંપતી ન્યૂયોર્કની બ્રુક્લીન હોસ્પિટલમાં તબીબી સેવા આપતું હતું. દરમિયાન પ્રથમ ડો. સિદ્ધાર્થને અને ત્યાર બાદ તેમની પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. દર્દીની સારવાર બાદ કોરોના પોઝિટિવ આવતાં દંપતી હોમ ક્વોરન્ટીન કરાયું હતું. ડો. સિદ્ધાર્થના મતે દવાઓ અને દુવાઓના કારણે તેઓ અન્ય દર્દીની સરખામણીએ ઝડપથી રિકવર થયા હતા અને પુન: સારવાર શરૂ કરી દીધી હતી. અમેરિકામાં કોવિડ-19ના પ્રથમ તબક્કામાં પોઝિટિવ દર્દીની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ માટે માસ્ક, પર્સનલ સેફ્ટી કીટની ભાગે ખેંચ હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. ભારત સરકાર દ્વારા કોવિડ-19 સામે લીધેલાં તકેદારીનાં પગલાંને કારણે આજે સ્થિતિ કાબૂમાં છે.