નવી દિલ્હીઃ અત્યારે વિશ્વના તમામ દેશો કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને તેને હરાવવા માટે કોરોના વેક્સીનેશન પણ ચાલું કર્યું છે જોકે, આવી ભયાનક પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકોએ વધુએ મહામારીની આશંકા વ્યક્ત કરી હતી.
વૈજ્ઞાનિકોનું માનીએ તો નવા ઘાતક વાયરસથી દુનિયામાં 7.5 કરોડ લોકોનાં મોત થઈ શકે છે. આ વાયરસનું નામ ડિસીઝ એક્સ છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ બીમારી ઈબોલાની જેમ ઘાતક સાબિત થઈ શકે છે.
ઝી ન્યૂઝના સમાચાર પ્રમાણે હેલ્મહોલ્ટઝ-સેન્ટરના ડૉક્ટર જોસેફ સેટલે ધ સન ઑનલાઇનને જણાવ્યું કે, પ્રાણીઓની કોઈ પણ પ્રજાતિ આ બીમારીનો સ્ત્રોત હોઈ શકે છે. જોકે, આ બીમારીના સ્ત્રોતની સંભાવના ત્યાં વધારે છે જ્યાં ઉંદર, ચામાચીડિયા જેવી પ્રજાતિ વધારે છે. તેમણે કહ્યું કે આ પ્રજાતિઓેની અનુકૂલન ક્ષમતા પર આધાર રાખે છે.
સંશોધકોએ કહ્યુ કે હાલ આ બીમારી અંગે વધારે માહિતી મળી નથી પરંતુ આ અજાણી બીમારી આગામી મહામારી બની શકે છે. આનો એક દર્દી કોંગોમાં મળ્યો છે. એ દર્દીને ખૂબ તાવ હતો સાથે જ ઇન્ટરનલ બ્લિડિંગ થઈ રહ્યું હતું. તેણે ઇબોલાનો ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તે નેગેટિવ આવ્યો હતો.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે દર વર્ષે આ બીમારીના આશરે એક અબજ કેસ સામે આવી શકે છે. લાખો લોકોનાં મોત પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે આગામી મહામારી બ્લેક ડેથથી પણ ખરાબ હોઈ શકે છે, જેમાં 7.5 કરોડ લોકોનાં મોત થયા હતા. ડિસીઝ એક્સ વાયરસ આનાથી પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.
વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોના વાયરસ પછી પણ આગામી સમયમાં માનવજાતિએ દર પાંચ વર્ષે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. EcoHealth Alliance પ્રમાણે દુનિયામાં હયાત 1.67 મિલિયન અજ્ઞાત વાયરસમાંથી 8,27,000 પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રવેશ્યા છે.