નવી દિલ્હીઃ ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ્ં હીરા વેપારી મેહુલ ચોક્સીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કેસમાં તેની જામીન અરજી નકારી દીધી છે. ડોમિનિકાની ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ હીરા કારોબારી મેહુલ ચોક્સીને દેશમાં ગેરકાયદે રૂપથી ઘૂસવાના આરોપનો જવાબ આપવા માટે મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કર્યો હતો.
ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, હવે ઉપરી અલાદતમાં જઈશું. ચોકસીના વકીલે આરોપ લગાવ્યો છે કે તેમના અસીલને એન્ટિગુઆના જોલી હાર્બરથી કિડનેપ કરવામાં આવ્યા અને તેમને લગભગ 100 નોટિકલ માઇલ દૂર એક બોટમાં બેસાડી ડોમિનિકા લાવવામાં આવ્યા. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, અમારું માનવું છે કે મેહુલ ચોકસી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં કેમ છે. તેમને 72 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવા જોઈતા હતા, જ્યારે આવું નથી કરવામાં આવ્યું. તેનાથી તેમના વલણની પુષ્ટિ થાય છે.
ચોકસીના વકીલે કહ્યું કે, જે વિષયની સુનાવણી કરવામાં આવી રહી છે તે બંદી પ્રત્યક્ષીકરણ અરજી છે, ભારતમાં તેમને પ્રત્યર્પિત કરવાનો વિષય નથી. તેમની નાગરિકતાનો વિષય કોર્ટની સમક્ષ નથી. મીડિયાના વિવિધ અહેવાલોથી વિપરીત ભારત સરકાર વિશે કોઈ ચર્ચા જ નથી.
આ પહેલા મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ એક સ્પેશલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના પતિ 23 મેની સાંજે રાતનું ભોજન લેવા માટે નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા જ નહીં. પ્રીતિ ચોકસીએ જણાવયું કે તેમણે ચોકસીની ભાળ મેળવવા માટે દરિયાકાંઠે એક સલાહકાર અને રસોઈયાને મોકલ્યા હતા, પરંતુ કોઈ પગેરું ન મળતાં અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો.
મેહુલ ચોકસીની પત્નીએ કહ્યું હતું કે, હું એ જાણીને હેરાન થઈ ગઈ હતી કે ચોકસીને સાંજે લગભગ 5.30 વાગ્યે એક યાટ પર લઈ જવામાં આવ્યા અને કોઈએ આ જોયું નહીં. તેમની કાર પણ ઘટનાસ્થળેથી ગાયબ હતી, જે બીજા દિવસ સવારે 7.30 વાગ્યે મળી હતી. તેને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવી હતી. જ્યારે પ્રીતિને મિસ્ટ્રી ગર્લ બારબરા જૈબરિકા (તેને કથિત રીતે મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે) વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, હું જાણું છું કે જૈબરિકા ગયા વર્ષે ઓગસ્ટમાં એન્ટિગુઆ આવી હતી. ત્યાં આઇલેન્ડમાં અમારા બીજા ઘરે પણ આવી ચૂકી છે. ત્યાંના શેફ સાથે તેની દોસ્તી થઈ ગઈ હતી.