યુરોપના 9 દેશએ અંદાજે 3 મહિના બાદ સોમવારથી પોતાની સરહદો ખોલી દીધી. ત્યાં ઉનાળાની રજાઓના કારણે આ નિર્ણય લેવાયો છે પણ આ અનલૉક માત્ર યુરોપના દેશોના નાગરિકો માટે જ થયું છે. અમેરિકા, એશિયા, લેટિન અમેરિકાના અને અખાતી દેશોના લોકોએ હજુ રાહ જોવી પડશે. યુરોપના 44 માંથી 35 દેશ તેમની સરહદો ખોલી ચૂક્યા છે.
ફ્રાન્સમાં અનલૉક અંગે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ કહ્યું કે ફ્રાન્સે કોરોના સામેની પહેલી લડાઇ જીતી લીધી છે. અર્થતંત્રની ગાડી ફરી પાટા પર લાવવાનો સમય પાકી ગયો છે. ઇયુના શેન્જેન ઝોનમાં સામેલ પડોશી દેશો માટે સરહદો ખોલાઇ છે. પેરિસમાં બાર-રેસ્ટોરન્ટ ખુલી શકશે. 22 જૂનથી સ્કૂલો પણ ખુલી જશે. આ વર્ષનો ઉનાળો પહેલાં કરતા અલગ હશે. વધુ સતર્ક રહેવું પડશે. કોરોના સામેની લડાઇ હજુ પૂરી નથી થઇ.