કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને પગલે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ આપવામાં આવ્યા છે. ૩૧ સ્કવેર માઇલ(૮૦ ચોરસ કિલોમીટર) વિસ્તારમાં આગને કારણે ભારે નુકસાન થયું છે.
આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. યુએસ ફોરેસ્ટ સર્વિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અમે અમારા ફાયર ફાઇટરોને ભયજનક સ્થિતિમાં મૂકવા માગતા નથી. જો કે ફાયર ફાઇટર સાવચેતીપૂર્વક આગ પર અંકુશ મેળવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
સોમવાર સવાર સુધી આગ પર પાંચ ટકા અંકુશ મેળવવામાં સફળતા મળી હતી. આગ પર અંકુશ મેળવવા માટે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવાર સાંજે ચેરી વેલીમાં બે સ્થળે લાગેલી આગને કારણે જંગલમાં પણ આગ લાગી હતી. જેને ધ્યાનમાં રાખીને પર્વતીય ક્ષેત્ર અને તેની આસપાસમાં રહેતા લગભગ આઠ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાં અનેક કિલોમીટર દૂરથી જ ધુમાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.