Canada: કેનેડાના અધિકારીઓએ શનિવારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં ચોથા શંકાસ્પદ ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. આ માહિતી એક સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવી હતી.
કેનેડાના બ્રેમ્પટન, સરે અને એબોટ્સફોર્ડના રહેવાસી અમરદીપ સિંહ (22) પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (આઈએચઆઈટી) એ જણાવ્યું હતું કે નિજ્જરની હત્યામાં તેની ભૂમિકા બદલ અમરદીપ સિંહની 11 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અમરદીપ પહેલાથી જ હથિયાર રાખવાના આરોપમાં પીલ પ્રાદેશિક પોલીસની કસ્ટડીમાં હતો, સત્તાવાર રિલીઝમાં જણાવાયું હતું.
“આ ધરપકડ નિજ્જરની હત્યામાં ભૂમિકા ભજવનારાઓને જવાબદાર ઠેરવવા માટે અમારી ચાલી રહેલી તપાસની પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે,” IHITના ઓફિસર-ઈન્ચાર્જ મનદીપ મુખરે જણાવ્યું હતું. નિજ્જર (48 વર્ષ)ની 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી.
અગાઉ IHIT તપાસકર્તાઓએ નિજ્જરની હત્યા માટે 3 મેના રોજ અન્ય ત્રણ ભારતીયો, કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહ (28)ની ધરપકડ કરી હતી. એડમન્ડનમાં રહેતા ત્રણેય ભારતીય નાગરિકો છે અને તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.