G7 summit G7 સમિટ માટે આમંત્રણ, કેનેડાના નવા વડાપ્રધાનનો પીએમ મોદીને ફોન
G7 summit ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેનેડાના નવા પ્રધાનમંત્રી માર્ક કાર્ની તરફથી G7 સમિટમાં હાજરી માટે આમંત્રણ મળ્યું છે. બંને નેતાઓ વચ્ચે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી. આ વાર્તાલાપ દરમિયાન પીએમ મોદીને કનાનાસ્કિસ, કેનેડામાં 15 થી 17 જૂન સુધી યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કેનેડાના નવા વડાપ્રધાનના ચૂંટણી વિજય માટે અભિનંદન પાઠવ્યા અને સમિટમાં હાજરી આપવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીએ તેમના એક્સ (પૂર્વે ટ્વિટર) પર લખ્યું કે, “માર્ક કાર્ની સાથે વાતચીત કરવી આનંદદાયક રહી. તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી અને G7 સમિટ માટે આમંત્રણ આપવાના માટે આભાર માન્યો. ભારત અને કેનેડા જીવંત લોકશાહી દેશો તરીકે પરસ્પર સન્માન અને હિતોના આધારે એકસાથે આગળ વધશે.”
ભારત-કેનેડા સંબંધોમાં નવી હવા
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડાના સંબંધો ઠંડકભર્યા રહ્યા છે. ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃત્તિઓ અને કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનોને કારણે બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. જોકે હવે, નવી સરકારની રચના સાથે અને માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સારી દિશામાં આગળ વધશે.
આ સંજોગોમાં પીએમ મોદીને મળેલું G7 સમિટનું આમંત્રણ માત્ર રાજનૈતિક બેઠક પૂરતું નથી, પરંતુ ભારત-કેનેડા સંબંધોમાં ભવિષ્યની હકારાત્મક દિશાનો સંકેત પણ આપે છે.
Glad to receive a call from Prime Minister @MarkJCarney of Canada. Congratulated him on his recent election victory and thanked him for the invitation to the G7 Summit in Kananaskis later this month. As vibrant democracies bound by deep people-to-people ties, India and Canada…
— Narendra Modi (@narendramodi) June 6, 2025
G7 સમિટના મુખ્ય મુદ્દા
કેનેડા આયોજિત આ વર્ષની G7 સમિટમાં વિશ્વ સ્તરના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, વૈશ્વિક અર્થતંત્ર, ક્લાઈમેટ ચેન્જ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા જેવા વિષયો સામેલ છે.
G7 સમિટમાં વૈશ્વિક સ્તરના દેશો — ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા — તેમજ યુરોપિયન યુનિયન, સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક અને IMF જેવા સંગઠનો ભાગ લેશે. ભારતે પણ અનેક વખત G7 સમિટમાં ગેસ્ટ તરીકે હાજરી આપી છે.
આ સમિટ માત્ર વૈશ્વિક નીતિગત ચર્ચાઓનું મંચ નથી, પરંતુ ભારત માટે વૈશ્વિક નેતૃત્વમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા માટેનો મોકો છે. સાથે સાથે, કેનેડા સાથે પથ્થરીલા સંબંધોને નવી દિશા આપવા માટે પણ આ મંચ સાબિત થઈ શકે છે. मार्क કાર્નીની નવી નેતૃત્વશૈલી અને પીએમ મોદીની વૈશ્વિક દૃષ્ટિ બંને દેશોને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ શકે છે.