Haj 2024: હજ પઢવા માટે મક્કા ગયેલા હાજીઓને આ વખતે કારમી અને ભીષણ ગરમીનો સામનો કરવો પડ રહ્યો છે. અત્યાર સુધી એક હજાર હાજીઓનાં મોતના સમાચાર છે તો ભારતનાં 98 હાજીઓ સ્વર્ગવાસી બની ગયા છે. આ દરમિયાનમાં ગુજરાતના હાજીઓ પણ જન્નતનશીન થયા હોવાનું ગુજરાત હજ કમિટીએ જણાવ્યું છે.
ગુજરાત હજ કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે ટેલિફોન પર જણાવ્યું કે
મક્કાની ગરમીના કારણે ગુજરાતના પાંચ હાજીઓ જન્નતનશીન થયા છે. જેમાં બનાસકાંઠા,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર અને વલસાડનો સમાવેશ થાય છે.
તેમણે મૃતકોના નામ આપતા જણવ્યું કે છોટા ઉદેપુરનાં ઈકબાલ અહેમદ મકરાણા, અમદાવાદના શબ્બીર હુસૈન મેમણ, વડોદરાના મુશ્તાક અહેમદ, બનાસકાંઠાના નૂરાભાઈ માકરોલીયા અને વલસાડના કાસીમ અલી અલ્લાહને પ્યારા થઈ ગયા છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે મૃતકોના કોઈ પણ સગાવહાલાઓએ ડેથબોડીને ભારત લાવવાનો ઈન્કાર કર્યો છે.
ગુજરાત હજ કમિટી તમામના વાલી વારસોના સંપર્કમાં છે અને ગુજરાતના હાજીઓને કોઈ અગવડ ન પડે તે માટે સાઉદી સરકારના સંપર્કમાં છે.