યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FBI)ની એફિડેવિટનો ખુલાસો કર્યો હતો, જેમાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો સ્થિત નિવાસસ્થાનની શોધને યોગ્ય ઠેરવવામાં આવી હતી. સાર્વજનિક કરવામાં આવેલા આ દસ્તાવેજમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે અને ઘણા પેજ પર બ્લેક માર્ક કરવામાં આવ્યા છે. તેમાં ફ્લોરિડામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિવાસસ્થાને ગુપ્ત રાખવામાં આવેલી અત્યંત સંવેદનશીલ માહિતી છે. ડોક્યુમેન્ટમાંથી કેટલીક બાબતો મુખ્યત્વે બહાર આવી છે.
એફિડેવિટમાં 8 ઓગસ્ટના રોજ ટ્રમ્પના શિયાળુ નિવાસસ્થાનની એફબીઆઈની શોધમાં મળેલા 11 ગોપનીય દસ્તાવેજોના સેટ વિશે કોઈ નવી માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે છતી કરે છે કે ન્યાય મંત્રાલય માટે આ દસ્તાવેજો મેળવવા શા માટે મહત્વપૂર્ણ હતા.
એફિડેવિટ પરથી ખુલાસો થયો છે કે જાન્યુઆરીમાં ટ્રમ્પના ઘરેથી મળેલા 15 બોક્સમાંથી 14 ગોપનીય લખાયેલા હતા. આ બોક્સની અંદર 184 દસ્તાવેજો મળી આવ્યા હતા, જેને ગોપનીય તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 67 પર ‘કોન્ફિડેન્શિયલ’, 92 પર ‘સિક્રેટ’ અને 25 પર ‘ટોપ સિક્રેટ’ લખવામાં આવ્યું હતું.
તેમાં ઉચ્ચ સ્તરની ગુપ્ત માહિતી ધરાવતા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. બૉક્સનું નિરીક્ષણ કરનારા એજન્ટોએ શોધી કાઢ્યું કે દસ્તાવેજો ખાસ સૂચવે છે કે માહિતી અત્યંત સંવેદનશીલ માનવ સ્ત્રોતો અથવા ઇલેક્ટ્રોનિક સ્રોતોમાંથી મેળવવામાં આવી હતી.
એફિડેવિટમાં ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે જેના પર ‘ઓરિજિનેટર કંટ્રોલ્ડ’ લખેલું હતું. આનો અર્થ એ થયો કે રિપોર્ટ તૈયાર કરનાર ગુપ્તચર એજન્સીના અધિકારીઓ ઈચ્છતા ન હતા કે તે દસ્તાવેજો તેમની પરવાનગી વગર અન્ય એજન્સીઓને આપવામાં આવે.
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ અધિકારી ડગ્લાસ લંડને જણાવ્યું હતું કે, “જ્યારે વસ્તુઓને આ સ્તર સુધી ગોપનીય રાખવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે જે લોકો માહિતી એકત્ર કરી રહ્યા છે તેમના જીવન જોખમમાં હોઈ શકે છે.”
એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક ગોપનીય દસ્તાવેજોને અન્ય કાગળો સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસ ડિવિઝન ઓફ નેશનલ આર્કાઈવ્સના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર બોક્સમાંથી અખબારો, સામયિકો, પ્રકાશિત સમાચાર લેખો, ફોટોગ્રાફ્સ, અંગત દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.
સૌથી મોટી વાત એ છે કે અત્યંત ગોપનીય દસ્તાવેજો ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને અન્ય કાગળો સાથે ભળી ગયા હતા. CIAના ભૂતપૂર્વ અધિકારી ડેવિડ પ્રાઈસે કહ્યું કે રાષ્ટ્રપતિને ગુપ્ત માહિતી આપવામાં આવે છે પરંતુ તેને આના જેવી અન્ય વસ્તુઓ સાથે રેન્ડમલી ભેળવવી અસામાન્ય છે.