કોરોનાવાઈરસના કેસ વધવાની રફ્તાર હાથમાંથી છટકી જાય અને વેક્સિન કે અસરકારક દવાઓ આવવાને હજી વાર હોય ત્યારે સરકારો ‘હર્ડ ઈમ્યુનિટી’ નામનું તરણું ઝાલવા મથે છે. પરંતુ સ્પેનમાં 60 હજાર લોકો પર થયેલો સ્ટડી હર્ડ ઈમ્યુનિટીની આશા પર ઠંડું પાણી રેડી દે છે. સ્પેનમાં લગભગ 61 હજારથી પણ વધુ લોકો પર સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાંથી માત્ર 5.2% લોકોમાં જ કોરોનાની વિરુદ્ધના એન્ટિબોડી પેદા થયા હતા. એવી થિયરી છે કે જ્યારે કોઈ દેશ કે શહેરની વધુ વસ્તીને કોરોનાનો ચેપ લાગે (અને જેથી તેમનાં શરીરમાં તે રોગની વિરુદ્ધના એન્ટિબોડીઝ પેદા થઈ જાય) ત્યારે તેમનામાં હર્ડ ઈમ્યુનિટી પેદા થાય છે અને વાઇરસનો ફેલાવો અટકી જાય છે.
આ માટે સૌથી અસરકારક રસ્તો વધુમાં વધુ લોકોને જે તે રોગની વેક્સિન મૂકવાનો છે. પરંતુ અત્યારના તબક્કે આવી કોઈ હર્ડ ઈમ્યુનિટીની ઈફેક્ટ સ્પેનના લોકોમાં જોવા મળી નહોતી. આ સ્ટડી ‘લાન્સેટ’ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે. યુરપિયન દેશોમાં થયેલો આ પ્રકારનો આ સૌથી મોટો સ્ટડી છે. કોઈ વ્યક્તિના શરીરમાં કોરોનાની સામેના એન્ટિબોડીઝ મોજુદ હોય, તો તેને ચેપ લાગશે જ નહીં તે મુદ્દે પણ ડૉક્ટરો સ્પષ્ટપણે કહી શકે તેવી સ્થિતિમાં નથી. શરીરમાં એન્ટિબોડી હોય તો તે વ્યક્તિને કેટલા સમય સુધી કોરોના સામે રક્ષણ કરી શકે તે પણ કહી શકાય તેમ નથી.