નવી દિલ્હી: ભારત બાંગ્લાદેશને 20 લાખ કોરોના રસી ભેટ રૂપે આપશે. બાંગ્લાદેશના આરોગ્ય પ્રધાને આ માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ ભારત તરફથી ભેટ રૂપે મોટી માત્રામાં કોરોના રસીનો ડોઝ લેવા જઈ રહ્યો છે. ભારત ટૂંક સમયમાં પ્રથમ તબક્કામાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી કોવિશિલ્ડ બાંગ્લાદેશ મોકલશે.
બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ભારતનું એક વિમાન બુધવારે ઢાકાના શાહજલાલ એરપોર્ટ પર રસીના માલ સાથે ઉતરશે. આ સીરમ સંસ્થાની રસી કોવિશિલ્ડ હશે.
પાકિસ્તાન રાહ જોઇ રહ્યું છે
બાંગ્લાદેશને રસી મળ્યા બાદ પાકિસ્તાન પણ આ રસી સાથે ભારત તરફ નજર કરી રહ્યું છે. પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (ડ્રેપ) એ રવિવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 રસીના કટોકટી ઉપયોગને મંજૂરી આપી છે.
પાકિસ્તાને આ રસીને મંજૂરી આપી છે, પરંતુ તેની સમસ્યા એ છે કે એસ્ટ્રાઝેનેકા રસી ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય મુદ્દે વિશેષ સહાયક ડો. ફૈઝલ સુલતાને કહ્યું કે, અમે એસ્ટ્રાઝેનેકા રસીને મંજૂરી આપી છે કારણ કે તેની અસરકારકતા 90 ટકા છે અને અમે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ.