India US trade deal ટ્રમ્પ સાથે પીએમ મોદીના સારા સંબંધોનો ઉલ્લેખ, ઇન્ડો-પેસિફિકમાં ભારતને વ્યૂહાત્મક સાથી ગણાવાયો
India US trade deal ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં વેપાર સોદો થવાની અપેક્ષા વધી રહી છે. આ સોદાની પૂર્વે, વ્હાઇટ હાઉસ તરફથી પીએમ નરેન્દ્ર મોદીને લઈ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. વ્હાઇટ હાઉસે વડાપ્રધાન મોદીને ‘ટ્રમ્પના સારા મિત્ર’ તરીકે ઓળખાવ્યા છે અને ભારતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સાથી ગણાવ્યું છે.
વ્હાઇટ હાઉસે ભારત વિશે શું કહ્યું?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સાથી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ખૂબ સારા સંબંધો છે, અને તેઓ એ સંબંધોને મજબૂત રાખવા પ્રતિબદ્ધ છે.”
આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકા મુલાકાતે છે. તેઓ ક્વાડ સમિટ માટે ગયા છે, જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સામેલ છે. આ ચાર દેશોનું મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ જાળવવી છે.
વ્યાપાર સોદો બનવાની ધારણા મજબૂત
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે “અમેરિકા અને ભારત વચ્ચે ઘણું મોટું અને સારું વેપાર સોદો થવાનો છે.” તેઓએ ઉમેર્યું કે બંને દેશો વચ્ચે ભાગીદારી નવા ઊંચાઈએ પહોંચી રહી છે. ભારતીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ જણાવ્યું છે કે “ભારત વેપાર માટે તૈયાર છે, પરંતુ ન્યાયસંગત અને ભારતના હિતમાં હોય તેવા શરતો સાથે જ.”
આપેક્ષિત સોદામાં IT, ઓટોમોબાઇલ, ડિફેન્સ, અને દવાઓ જેવા ક્ષેત્રો સામેલ થઈ શકે છે. આ સોદો બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી શકે છે.
વ્હાઇટ હાઉસ દ્વારા વડાપ્રધાન મોદીના નેતૃત્વની જાહેરમાં પ્રશંસા કરવી એક વ્યૂહાત્મક સંકેત છે કે બંને દેશો વચ્ચે માત્ર વેપાર નહીં પરંતુ રાજકીય અને વ્યૂહાત્મક સહયોગ પણ વધશે. હવે તમામ નજરો આવતા અઠવાડિયાઓમાં થનારા સત્તાવાર કરાર પર ટકેલી છે.