ઈઝરાયેલના જવાબી હુમલામાં ગાઝા પટ્ટીમાં લગભગ 300 લોકોના મોત થયા છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે હુમલામાં ઓછામાં ઓછા ચાર અમેરિકન નાગરિકોના મોત થયા છે અને અન્ય સાત અમેરિકનો ગુમ છે. ફોર્ડ ઉપરાંત અમેરિકા ક્રુઝર ‘USS નોર્મેન્ડી’, ડિસ્ટ્રોયર ‘USS થોમસ હડનર’, ‘USS Ramage’, ‘USS Carney’ અને ‘USS રૂઝવેલ્ટ’ પણ મોકલી રહ્યું છે. આ સિવાય યુએસ એરફોર્સના એફ-35, એફ-15, એફ-16 અને એ-10 ફાઈટર એરક્રાફ્ટ સ્ક્વોડ્રનને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. ‘કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ’ પહેલેથી જ ભૂમધ્ય સમુદ્રમાં હતું. તેણે ગયા અઠવાડિયે આયોનિયન સમુદ્રમાં ઇટાલી સાથે નૌકા કવાયત હાથ ધરી હતી. તે અમેરિકાનું સૌથી નવું અને સૌથી અદ્યતન એરક્રાફ્ટ કેરિયર છે અને આ તેની પ્રથમ સંપૂર્ણ જમાવટ છે.
બીજી તરફ, પેલેસ્ટાઈનના ‘ઈસ્લામિક જેહાદ’ના વડા ઝિયાદ નખલેહે દાવો કર્યો છે કે ગાઝામાં ઉગ્રવાદીઓએ ડઝનબંધ ઈઝરાયલીઓને બંધક બનાવ્યા છે, જેમાંથી 30થી વધુને તેમના જૂથે બંધક બનાવ્યા છે. નાખલેહે રવિવારે રાત્રે એક ટેલિવિઝન ભાષણમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇઝરાયેલની જેલમાં બંધ તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં આવશે નહીં. હમાસ દ્વારા શનિવારે ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામાં પેલેસ્ટાઈનની ‘ઈસ્લામિક જેહાદ’એ પણ ભાગ લીધો હતો. નખલેહ સામાન્ય રીતે બેરૂતમાં રહે છે. તેણે કહ્યું કે પેલેસ્ટાઈનના ‘ઈસ્લામિક જેહાદ’એ 30થી વધુ લોકોને બંદી બનાવી લીધા છે.